ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર,આ રાજ્યની સાથે યોજાશે ચૂંટણીઓ

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે દેશમાં એક લોકસભા અને 65 વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણીઓ યોજાશે. ભારતીય ચૂંટણી પંચે આની જાહેરાત કરી છે. આયોગે કહ્યું છે કે બિહારમાં નવી સરકારની રચના કરવાની પ્રક્રિયા 29 નવેમ્બર પહેલા કરવામાં આવશે. તેની સાથે જ અન્ય અન્ય ચૂંટણીઓ પણ યોજાશે.

  • ભારતીય ચૂંટણી પંચે કર્યું એલાન બિહાર વિધાનસભાની સાથે યોજાશે તમામ પેટાચૂંટણીઓ
  • 29 નવેમ્બર પહેલા બિહાર વિધાનસભા અને દેશની અન્ય 65 પેટાચૂંટણી માટે થશે મતદાન
  • ગુજરાતમાં 8 સીટો પર યોજાશે ફેરચૂંટણીઓ, કોંગી MLAના રાજીનામાંને લીધે થઈ હતી ખાલી

ગુજરાતમાં પણ આ ચૂંટણીની સાથોસાથ 8 વિધાનસભા સીટો માટે ફેર ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ 8 સીટો અગાઉના કોંગ્રેસ ધારાસભ્યોએ આપેલ રાજીનામાંને કારણે ખાલી પડી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં આ કોંગ્રેસ ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં ચાર સીટોમાંથી 3 પર ભાજપની જીત થઈ હતી. ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ચૂંટણી જીતીને રાજ્યસભા પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા.

જો કે હજુ સુધી જાહેર નથી થઈ પેટાચૂંટણીની તારીખો

જોકે, હજુ સુધી બિહારની કે ગુજરાતની ચૂંટણીની તારીખો અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સમકહર એજન્સી ANIના હવાલેથી જાણકારી મળી હતી કે ચૂંટણી આયોગે દેશમાં બાકી અન્ય રાજ્યોની પેટાચૂંટણીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એકી સાથે જ કરાવવાનો નિર્ણય લીધો હતો. આના માટે સુરક્ષા દળો અને ચૂંટણીને લગતા લોજિસ્ટિક્સની સરળતાથી મૂવમેન્ટ કરી શકાય તેનું કારણ આપ્યું હતું .

બિહાર વિધાનસભાની સાથે જ યોજાશે પેટાચૂંટણીઓ

સાથે જ ચૂંટણી પંચે કહ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની સાથે સાથે આ પેટા-ચૂંટણીઓની જાહેરાત આયોગ દ્વારા યોગ્ય સમયે કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોરોના સંકટની વચ્ચે દેશમાં યોજાવા જઈ રહેલી આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે.

ગુજરાતમાં કઈ કઈ સીટો પર યોજાશે પેટાચૂંટણીઓ?

ગુજરાતમાં કચ્છ જિલ્લાની અબડાસા બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સીટ, વડોદરા જિલ્લામાં કરજણ, ડાંગ જિલ્લાની ડાંગ બેઠક અને વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પર પેટા ચૂંટણી યોજવા જઇ રહી છે, સાથે જ અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા સીટ, બોટાદ જિલ્લામાં ગઢડા સીટ અને મોરબી જિલ્લાની મોરબી સીટ પર પણ પેટાચૂંટણી યોજાવ જઈ રહી છે.