અમદાવાદ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪માં અત્યાર સુધીમાં રમાયેલ મેચમાં ઘણા મોટા સ્કોર જોવા મળ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર ખડક્યો હતો. તો બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સે પણ દિલ્હી કેપિટલ્સ સામે રમતા બીજો સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ તમામ મેચમાં ટીમે પહેલા બેટિંગ કરીને પહાડ જેવડા મોટા સ્કોરનો ખડકલો હતો, પરંતુ પંજાબની ટીમે લક્ષ્યાંકનો પીછો કરતી બીજી બેટિંગ કરી હતી અને ૨૦૦ રનના લક્ષ્યાંકને પાર કરીને ટૂર્નામેન્ટમાં વિક્રમ સર્જક જીત મેળવી હતી. ગઈકાલ ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સની મેચમાં, પંજાબ કિંગ્સની ટીમે ગુજરાત ટાઇટન્સ સામે કંઈક એવું કર્યું જે આ સિઝનમાં આજદીન સુધી બીજી કોઈ ટીમ કરી શકી નથી.
આઈપીએલની ગઈકાલે રમાયેલ ૧૭મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સની ટીમે કેપ્ટન શુભમન ગિલના ૮૯ રનની ઇનિંગના આધારે કુલ ૧૯૯ રન બનાવ્યા હતા. જેમાં સાઈ સુદર્શનના ૩૩ રન અને રાહુલ તેવટિયાના ૨૩ રન મહત્વના હતા.૨૦૦ રનનો ટાર્ગેટ આપ્યા બાદ ટીમને જીતનો વિશ્ર્વાસ હતો, કારણ કે તેઓ શરૂઆતમાં જ પંજાબ કિંગ્સના ધૂંરધર બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહી હતી.
પંજાબ કિંગ્સની ટીમે ૧૫૦ રનના સ્કોર પર તેની ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના તમામ મોટા ધુંરધર બેટ્સમેનો પેવેલિયનમાં પરત ફર્યા હતા. અહીંથી પંજાબ કિંગ્સની હાર નિશ્ર્ચિત જણાતી હતી, પરંતુ એક ઇનિંગે સમગ્ર વાતાવરણ બદલી નાખ્યું હતું. માત્ર ૧૭ બોલની ઈનિંગે એવો તરખાટ મચાવ્યો હતો કે જેના કારણે ગુજરાત ટાઈટન્સ જીતેલી મેચ હારી ગઈ હતી.
પંજાબ કિંગ્સના શશાંક સિંહે મેચના અંત સુધી ટીમને સંભાળી હતી અને ૬૧ રનની જોરદાર ઈનિંગ રમી હતી, પરંતુ આશુતોષ શર્માની ટૂંકી ૧૭ બોલની ઈનિંગ તેના પર ભારે લાગી હતી. શશાંક સિંહ ભલે મેચ પૂરી કરી શક્યો અને અંત સુધી મજબૂત રહ્યો, પરંતુ ૩ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યા બાદ છેલ્લી ઈનિંગમાં આશુતોષની ૩૧ રનની ઈનિંગે પંજાબ કિંગ્સને મેચમાં પુનરાગમન કરાવ્યું હતું.
આ એક ઇનિંગના કારણે જ મેચ છેલ્લી ઓવરમાં પહોંચી હતી. છઠ્ઠી વિકેટ ૧૫૦ રનના સ્કોરે પડી હતી અને જ્યારે આશુતોષ આઉટ થયો ત્યારે સ્કોર ૭ વિકેટે ૧૯૩ રન હતો.