ગુજરાત ST કરાવશે રૂ.8100માં કુંભમેળાની યાત્રા:વોલ્વો બસમાં મુસાફરી અને ડોરમેટરીમાં રહેવાની સુવિધા, દરરોજ અમદાવાદથી પ્રયાગરાજની બસ ઉપડશે

પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભમેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગોએ મળી કુંભમેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. રૂ. 8100માં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવશે. સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડશે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઈટ અને ટ્રેન ચાલી રહી છે. મુસાફરોનો ધસારાને જોતા એરલાઈન્સ દ્વારા ખાસ ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે. હવે ગુજરાત એસટી દ્વારા કુંભમેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ગુજરાત ટુરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા કુંભમેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે તેમાં યાત્રિકને રૂ. 8100માં 3 દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવાશે. પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.

27મી જાન્યુઆરી – 2025ને સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/01/2025થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.

રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતથી પ્રયાગરાજનું અંતર લાબું છે. જેથી ટ્રાવેલિંગ દરમિયાન શિવપુરીમાં હોટલમાં એક રાત્રિ રોકાણનું વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુસાફરો બસમાં જવા માગતા હોય તેઓ ટ્રાવેલીંગ ટાઈમ અને અન્ય સૂચનાઓને ધ્યાનમાં રાખી બુકીંગ કરાવે. પેકેજમાં ટ્રાવેલીંગ અને ત્યાં ડોરમેટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે.