ગુજરાત સાથે જોડાવા ઈચ્છતા રોકાણકારો માટે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એક સોનેરી અવસર બનશે : મુખ્યમંત્રી

નવીદિલ્હી, સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો સમક્ષ ગુજરાતની પ્રભાવક, પ્રોત્સાહક અને ધબક્તી વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની સફળતા વર્ણવી હતી.સીએમ પટેલે જણાવ્યું છે કે, પીએમ મોદીએ બે દર્શક પહેલા ગુજરાતની ક્ષમતા અને તકોને વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કરી નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી, નવા રોજગાર અવસર ઊભા કરવા શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાત ડેવલપમેન્ટના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.તેમણે વિકાસની અપાર સંભાવનાઓ માટે ગુજરાત સાથે જોડાવા ઈચ્છતા રોકાણકારો માટે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એક સોનેરી અવસર બનશે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો.

તેમણે કહ્યું કે, પીએમ મોદી હંમેશાં સમયથી એક કદમ આગળ વિચારનારા વિઝનરી લીડર છે. ૨૦૦૩માં જ્યારે કોઈને આવી બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટનો વિચાર પણ ન આવ્યો ત્યારે તેમણે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવના સાથે વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપ્યું હતું.

સીએમ પટેલે જણાવ્યું કે,આજે તો વાઈબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ , નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસ માટેની વ્યૂહાત્મક ભાગીદારીનું પ્લેટફોર્મ બની ગઈ છે. વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની આ ભવ્ય સફળતાને ગુજરાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી હતી, તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

સીએમ પટેલે જણાવ્યું કે, ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ એવા ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર., ડ્રીમ સિટી, ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ અને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માધ્યમથી વિકસિત ભારતનું પીએમનું વિઝન પાર પાડવામાં ગુજરાતે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી દીધી છે. ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ, ફાયનાન્સિંગ અને ફિનટેક હબ જેવા નવ ઊભરતા ક્ષેત્રો વિક્સી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ૧૫ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી કેપિસિટી ૨૦ ગિગાવોટ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન મિશન અન્વયે પણ ૧૦૦ ગિગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેશનનો ગુજરાતે લક્ષ્યાંક રાખ્યો છે.

આગામી જાન્યુઆરી-૨૦૨૪ની વાઈબ્રન્ટ સમિટમાં આવા નવા ઊભરતા સેક્ટર્સ રિન્યુએબલ એનર્જી, સેમિ કન્ડક્ટર, સસ્ટેઈનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રિક મોબિલિટી અને ઈન્ડસ્ટ્રી ૪.૦., જેવા મહત્વપૂર્ણ વિષયોના સેમિનાર અને કોન્ફરન્સ યોજવાના આયોજનની ભૂમિકા છે.