ગાંધીનગર,ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને ૪૧૨૩૭૮.૨૬ લાખ કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ ૩૨૫૨૭૩ કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો ૩૫૪૫૮ કરોડ થવા જાય છે જ્યારે અન્ય જવાબદારીઓની રકમ ૫૧૬૪૭ કરોડ થઈ છે.
ભારતના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા રાજ્ય સરકારના ૩૧મી માર્ચ ૨૦૨૩માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના ઓડિટના રિપોર્ટ પ્રમાણે કરજ અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકમાં ઓડિટના વર્ષમાં સરકારે ૪૩૦૦૦ કરોડની બજાર લોન લીધી છે, જ્યારે ૧૪૭૦૦ કરોડ રૂપિયાની લોન ભરી છે. ૩૧મી માર્ચ ૨૦૨૩ના અંતે બજાર લોનનો આંકડો ૨૮૩૦૫૭ કરોડ સુધી પહોંચ્યો છે. સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ ૧૧૭૭૫૧.૫૬ કરોડનો વધારો કર્યો છે, જ્યારે ૮૬૧૭૦.૮૩ કરોડ ભરપાઈ કરી છે. છેલ્લા બે વર્ષના તફાવતમાં જોઈએ તો ૨૦૨૧-૨૨માં સરકારનો બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો ૩૮૦૭૯૭.૫૩ કરોડ હતો જેમાં ૨૦૨૨-૨૩ના વર્ષમાં ૩૧૫૮૦ કરોડનો વધારો થયો છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વિગેરેમાં ૨૪૨૨૪.૮૫ કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં ૧૧૨૮.૮૩ મળીને ૨૫૩૫૩.૬૮ કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.