- રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન
- 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે
- 18.1.2017ના ઠરાવ પ્રમાણે લાભ મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા બાદ વધુ એક મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે. આ લાભ 18.1.2017ના ઠરાવ પ્રમાણે આપવામાં આવશે. આ નિર્ણયથી 40 હજારથી વધારે કર્મચારીને ફાયદો થશે.
કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી – કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.
કોને કોને મળશે લાભ
રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.
સ્વતંત્રતા દિવસે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો હતો 3 ટકાનો વધારો
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરાઇ હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો. જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે
આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.