ગાંધીનગર,ગુજરાત સરકારના અધિકારી-કર્મચારીઓના પગાર અને પેન્શન પાછળ આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૭૬૩૦૫ કરોડનો ખર્ચ થવાનો છે. છેલ્લા એક વર્ષમાં બન્ને રકમમાં અનુક્રમે ૪૪૧૨ અને ૨૪૮૪ કરોડનો વધારો થશે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે આવતા વર્ષે કર્મચારીઓની સંખ્યાની સરખામણીએ પેન્શનરોની સંખ્યામાં વિક્રમી વધારો થશે.રાજ્યના નાણાં વિભાગના સુધારેલા અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે ૪૬૭૩૯૦ જેટલા કર્મચારીઓના પગાર પાછળ સરકાર કુલ ૪૪૫૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જ્યારે આવતા વર્ષે આ ખર્ચની રકમ ૪૮૯૮૦ કરોડ થવા જાય છે એટલે કે તેમાં સીધો ૪૪૧૨ કરોડનો વધારો છે.
બીજીતરફ રાજ્યના ૫૦૭૨૭૦ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પાછળ ચાલુ વર્ષના અંત સુધીમાં ૨૪૮૪૧ કરોડનો ખર્ચ થશે પરંતુ આગામી વર્ષના અંતે આ ખર્ચનો આંકડો વધીને ૨૭૩૨૫ કરોડ થવાની છે. એટલે કે એક વર્ષમાં ૨૪૮૪ કરોડનો વધારો થશે. આગામી વર્ષ સુધીમાં પેન્શનરોની સંખ્યા વધીને ૫૩૫૬૫૭ થવાની છે. એટલે કે એક વર્ષમાં નિવૃત થતાં અધિકારી-કર્મચારીઓની સંખ્યા ૨૮૩૮૭ થવાની છે. નાણાં વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે સરકારી વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા અત્યારે ૨૦૯૨૪૪ જેટલી થવા જાય છે જ્યારે સહાયિત સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યા ૨૫૮૧૪૬ છે, આમ સરકાર કુલ ૪.૬૭ લાખ કર્મચારીઓને પગાર અને ભથ્થાં આપી રહી છે. જો કે આ આંકડામાં જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.