કેન્દ્ર સરકારે ૧૨ વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલક્તો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતાં અધિકારી તેમજ કર્મચારીઓ માટે બનાવી રહી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટના મહા ભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કિસ્સાથી ચોંકી ઉઠેલી સરકારે આગામી સત્રમાં વિધેયક લાવવાની તૈયારી શરૂ કરી છે. મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસરની મિલક્તનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સૂચિત કાયદામાં અપ્રમાણસર મિલક્તનો કેસ દાખલ થતાં જ સરકાર તમામ સંપત્તિ અને મિલક્તો જપ્ત કરી શકશે.
ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની ચૂંગાલમાં ફસાયેલા અધિકારી તેમજ કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ભ્રષ્ટ અધિકારીઓ તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય મિલક્તોમાં રોકાણ કરી રહ્યાં છે. આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસ દાખલ થયા પછી મિલક્તો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
જો કે હવે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલક્તો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે. દેશમાં અગાઉ ૨૦૦૬માં ઓરિસ્સા સરકારે અને ૨૦૦૯માં બિહાર સરકારે આ અંગેના કાયદા પસાર કર્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં અટકાવી દેવાયા છે.
સૂચિત કાયદામાં ભ્રષ્ટ અધિકારી જ નહીં પણ તેના પરિવારજનો અને ભળતા નામે ખરીદેલી મિલક્તો પણ જપ્ત કરી શકાશે. ગુજરાતમાં એવા પણ કિસ્સા બન્યાં છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હોય પરંતુ નિવૃત્તિ બાદ જે તે અધિકારી સામે કાર્યવાહી થતી હોય છે. કેન્દ્ર સરકારે ૧૨ વર્ષ પહેલાં બનાવેલો કાયદો નિવૃત્તિ પછી પણ અધિકારીની મિલક્તો જપ્ત કરી શકે છે.
ગુજરાત વિઝિલન્સ કમિશનના છેલ્લા રિપોર્ટમાં સચિવાલયના ૨૧ વિભાગોમાં ભ્રષ્ટાચારની કુલ ૧૨,૦૪૯ ફરિયાદ એક જ વર્ષમાં નોંધાઈ હતી જે પૈકી સૌથી વધુ ૨૯૯૬ ફરિયાદો શહેરી વિકાસ વિભાગની તેમજ ૧૭૩૫ ફરિયાદ મહેસૂલ વિભાગની હતી. આ કમિશનમાં વર્ષ ૨૦૨૦માં ૮૩૭૩ ફરિયાદ નોંધાઈ હતી અને ૯૮૩ અધિકારી સામે પગલાંની ભલામણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧માં ૧૧,૨૨૬ ફરિયાદ પૈકી ૧૧૪૮ અને ૨૦૨૨માં ૧૨૬૦૮ ફરિયાદ પૈકી ૧૫૪૮ કેસોમાં પગલાંની ભલામણ કરવામાં આવી હતી.