- રિ-સર્વે બાબતે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
- ખેતીની જમીનનો રિ- સર્વે રદ કરવાનો નિર્ણય
- રાજ્યમાં ફરી નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી છે. જે કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે.
જમીન રિ-સરવેને લઇને મહત્વના સમાચાર
રિ-સર્વે બાબતે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેતીની જમીનનો રિ- સર્વે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફરી નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે. રિ-સર્વમાં અનેક ભૂલો હોવાની ઘણા સમયથી ફરીયાદ હતી.
રિ-સર્વેમાં કઈ કઈ ભુલો હતી ?
- ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા
- ખેડૂતોના નામ નીકળી ગયા હતા
- ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા હતા
- કબ્જામાં ફેરફાર થયો હતો
- નક્શામાં ફેરફાર થયા હતા
- ગામની આકારણી પણ બદલાઈ ગઈ હતી
‘જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે’
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ.
રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી
ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખતે રી-સર્વે પ્રમોલગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો. તેમને જણાવી દઈએ કે, અગાઉ રિ સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી કેબિનેટ બેઠકમાં રિ સર્વે પ્રમોલગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.
કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રમોલગેશન અને રી સર્વે સંદર્ભે ચર્ચા કરાઈ છે અને જમીનના રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આખલાઓ ફરે છે તે માટે નિર્ણય થયો છે જેમાં આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. તેમણે વિગતો આપતા જણાવ્યું કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ બંધ કરવામાં આવે અને ચાઈનીઝ દોરી કે તુક્કલ ન ખરીદવી તેવી સરકાર તરફથી સામાન્ય નાગરિકોને માહિતી આપવા અપીલ છે.