જૂનાગઢ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ને ગુરુવારના રોજ જૂનાગઢ આવશે. જૂનાગઢ ખાતે તેમના આગમન સમયે યુવક કોંગ્રેસના મિત્રો દ્વારા બાઈક રેલી મારફત તેમનું સ્વાગત કરવામાં આવશે. બપોરે એક કલાકે જુનાગઢમાં આવેલ ઝાંસીની રાણીની પ્રતિમા પાસેના ચોકમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના કાર્યર્ક્તાઓ, શુભચિંતકો તથા આમ જનતા સાથે લોક પ્રશ્નો માટે જનસંવાદ યોજવામાં આવશે. જૂનાગઢ શહેર અને જિલ્લાના અનેક પ્રશ્નો ની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો, નાના વેપારીઓ, કાચા અને સામાન્ય ઘરોમાં રહેતા નાગરિકો તેમજ અન્ય લોકોને પારાવાર નુક્સાન થયું છે, પરંતુ આ થયેલ નુક્સાનની ચુકવણી હજુ સુધી કરવામાં આવેલ નથી. જૂનાગઢની હોસ્પિટલમાં અદ્યતન સાધનો ટેકનીશ્યનના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે અને લોકોને સહન કરવું પડે છે. જુનાગઢ શહેરના રસ્તાઓ અને ભાજપની ભયમુક્ત ભ્રષ્ટાચારની પ્રવૃત્તિના કારણે પાણી નિકાલના રસ્તાઓ દબાણ દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને વરસાદી પાણીના નિકાલ માટેના કામોમાં પૈસા ખવાતા હોવાના કારણે થોડા જ વરસાદમાં જૂનાગઢ શહેરના નાગરિકોને પુર જેવી પરિસ્થિતિથી નુક્સાન થઈ રહ્યું છે. ખેડૂતોને પાક વીમાની રકમ કેટલાય સમયથી આપવામાં આવી નથી અને સાચી હકીક્ત પણ છુપાવવામાં આવી રહી છે. ગરીબ વ્યક્તિઓના ઝુંપડા અને રહેણાંકો કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કે માનવતા દર્શાવ્યા વગર તોડી પાડવામાં આવે છે. સામાન્ય માણસ ૭/૧૨નો દાખલો કે સરકારી કામકાજ માટે જાય ત્યારે તેઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનું અને રઝળવાનું બને છે. તંત્રની બેદરકારી અને ભાજપના નેતૃત્વના અહંકારના કારણે લોક પ્રશ્નો સંભળાતા નથી માટે લોકોના પ્રશ્ર્નોનું સંકલન કરીને “જન અધિકાર પદયાત્રા” સ્વરૂપે વિસ્તૃત આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવશે. જૂનાગઢના આ કાર્યક્રમમાં સ્થાનિક તથા રાજ્યના આગેવાનો પણ સામેલ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જૂનાગઢનો કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવના ત્રિદિવસીય ઉજવણીના કાર્યક્રમમાં કેશોદ તાલુકાના મઢડા ગામ ખાતે ઉપસ્થિત રહેશે.