- ગુજરાત પોલીસમાં સામે આવ્યું જાસૂસી કૌભાંડ
- ટેક્નિકલ સર્વેલન્સના 2 કર્મચારીઓ બુટલેગરો માટે કરતા હતા જાસૂસી
- વારંવાર બાતમી નિષ્ફળ જતા કરાઈ આંતરિક તપાસ
ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી હોવાના અને પોલીસ જ બુટલેગરોને છાવરતી હોવાના અત્યાર સુધીમાં અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ પ્રકારનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચના ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓ પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હોવાની માહિતી સામે આવી છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી નિષ્ફળ જતાં ફૂટ્યો ભાંડો
મળતી માહિતી અનુસાર, ભરૂચમાં ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ પોલીસ દ્વારા આ મામલે હાલ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ એવા સમાચાર સામે આવ્યા છે કે બુટલેગરોની જે બાતમી મળતી હતી, તે લાંબા સમયથી નિષ્ફળ જઈ રહી હતી.
ગુજરાતમાં પોલીસકર્મીઓની જ થઈ જાસૂસી
નિષ્ફળતા પાછળનું શોધવા માટે પોલીસે તખ્તો તૈયાર કર્યો હતો. આ દરમિયાન આ માહિતી સામે આવી છે. આ બંને પોલીસકર્મીઓ ગુજરાતના મોટા અધિકારીઓ સહિત ભરૂચની આજુબાજુના પોલીસકર્મીઓની જાસૂસી કરતા હતા અને બૂટલેગરોને આ માહિતી પહોંચાડતા હતા. હાલ ભરૂચ ટેક્નિકલ સર્વેલન્સ વિભાગના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમની સામે ખાતકીય તપાસ કરવામાં આવી રહી છે.