ગુજરાત સરકારની સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મીઓ માટે મોટી જાહેરાત

છેલ્લાં લાબાં સમયથી પોલીસ ગ્રેડ પે મુદ્દા પર ચાલી રહેલા આંદોલનનો સુખદ ઉકેલ આવ્યો છે.સ્વંતત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ગૃહ રાજ્ય મંત્રી અને સુરતના પનોતા પુત્ર હર્ષ સંઘવીએ પોલીસના પગાર વધારાની જાહેરાત કરીને પોલીસ પરિવારાના ચહેરા પર નવરાત્રી અને દિવાળીના તહેવાર જેવી ખુશી લાવી લીધી છે. જો કે જાણકારોના કહેવા મુજબ ગુજરાત સરકારે ગ્રેડ પેમાં કોઇ સુધારો કર્યો નથી, પરંતુ પગાર અને ભથ્થામાં વધારો કરીને પોલીસોનો અસંતોષ થાળે પાડી દીધો છે.

પોલીસના પગાર વધારા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરેલા 550 કરોડ રૂપિયાના ફંડની હર્ષ સંઘવીએ સુરતમાં રવિવારે પોલીસ પરિવારો સાથેના કાર્યક્રમમાં જાહેરાત કરી હતી. લોક રક્ષક દળ (LRD), કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ,ASI ના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

પોલીસ પરિવાર સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત પોલીસના પગાર ભથ્થા માટે એક કમિટી બનાવવામાં આવી હતી અને જુદા જુદા પ્લેટફોર્મ પર ચર્ચા પરામર્ષ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસના પગાર વધારા માટે 550 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે, જે ખુશી હું તમારી સાથે શેર કરવા આવ્યો છું. સંઘવીએ કહ્યુ કે ગૃહ રાજ્ય મંત્રી બન્યો પછી પહેલીવાર પોલીસ કમિશ્ન્ર કચેરી ખાતે આવવાનો અને તમને મળવાનો મોકો મળ્યો છે.

તેમણે કહ્યું કે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા પાયા પર કર્મચારીઓના પગાર વધ્યા છે.તેમણે કહ્યું કે,કોન્સ્ટેબલનો પહેલા વાર્ષિક પગાર 3,63,660 હતો.હવે 4,16,400 રૂપિયા કરવામાં આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલનો પહેલા વાર્ષિક પગાર 4,36,654 હતો, જે 4,95,394 કરવામાં આવ્યો છે.ASIનો પહેલા વાર્ષિક પગાર 519354 હતો, જે 584094 કરવામાં આવ્યો છે.LRDનો વાર્ષિક પગાર 3,47,250 રૂપિયા કરવામાં આવ્યો છે.

જે પ્રમાણે હર્ષ સંઘવીએ પોલીસના પગાર વધારાની જાહેરાત કરી છે તેમાં જોઇએ તો સૌથી વધારે પગાર વધારોLRDનો 96150 થયો છે,પોલીસ કોન્સ્ટેબલ 52740,હેડ કોન્સ્ટેબલ – 58740.એએસઆઇ – 64740ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટવીટ કરીને 550 કરોડના ફંડની મંજૂરી વિશે જાણકારી આપી છે.

હર્ષ સંઘવીની જાહેરાત પછી પોલીસ અને તેમના પરિવારોના ચહેરા પર એટલી બધી ખુશી છલકાઇ ઉઠી હતી કે કર્મચારીઓ ગરબે ઘુમીને પગાર વધારાને વધાવ્યો હતો.

ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં કરાયો વધારો

  • ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો 
  • અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો
  • હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો
  • પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો
  • અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ  63 હજાર 660 હતો
  • વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો 
  • અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો 
  • હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો
  • ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો 
  • અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો 
  • હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો