સુરત જિલ્લામાં વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પલસાણાના ગામની સીમમાં ખેતરમાં રખેવાળી માટે રહેતા મૂળ હલધરુ ગામના પતિ પત્નીની રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા હત્યારાઓએ મોઢાના ભાગે તેમજ માથાના ભાગે બોથડ પ્રદાર્થથી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી ફરાર થઇ ગયા હતી. ઘટનાને પગલે ચકચાર મચી જતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી.
પલસાણાના કારેલી ગામની સીમમાં ક્રિષ્નાવેલી સોસાયટીની પાસે રેલવે ટ્રેકની બાજુમાં ગાંગપુર ગામના ભીખાભાઈ પટેલના ખેતરમાં રખેવાળી માટે ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તથા તેમની પત્ની રમીલાબહેન રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતાં. ખેતરમાં આવેલી બંગલીમાં રહી ખેતરની દેખરેખ રાખતાં હતાં અને રાત્રી રોકાણ પણ બંગલીમાં જ કરતાં હતાં. આ બંને મંગળવારની રાત્રી દરમિયાન નિત્યક્રમ મુજબ ખેતરમાં હાજર હતાં. બુધવારના રોજ વહેલી સવારે તેમના પરિવારના સભ્યો પલસાણા તાલુકાના કારેલી ખેતરે પહોંચતાં પતિ પત્નીના મૃતદેહ ખેતરની બહાર લગાવવામાં આવેલ સોલાર પેનલ નજીક ખુલ્લી જગ્યામાં પડેલા હતાં. બંનેના મોઢા ઉપર તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને કારણે બંનેના સ્થળ ઉપર જ મોત નીપજાવી અજાણ્યા હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પલસાણા સહિત જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ ઉપર જઈ તપાસ કરતાં કોઈ અજાણ્યાએ બંનેની ઘાતકી હત્યા કરી હતી. હાલ પોલીસે પરિવારના સભ્યોને બોલાવીને પૂછતાછ શરૂ કરી છે. હત્યાનું કારણ પોલીસ હજુ જાણી શકી નથી. મૃતકના પરિવારના સભ્યો અલખધામ મંદિર નજીક ખેતરમાં રહેતા હતાં. હાલ તો પોલીસે અજાણ્યા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી એફએસએલ તેમજ ડોગસ્ક્વોર્ડની મદદથી આગળની તપાસ શરૂ કરી છે.
કારેલી દંપતિની હત્યા પ્રકરણમાં પોલીસ વિજય નામના વ્યક્તિની શોધખોળ કરી રહી છે. મૃતક ઉમેશ રાઠોડના મોબાઈલ ઉપર છેલ્લે વિજય નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ઘટના બાદ વિજયનો મોબાઈલ બંધ હોય. પોલીસ શંકાને આધારે વિજયની શોધખોળ કરી રહી છે.
વિજય મૃતકનો નજીકનો સંબંધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હત્યા બાદ સ્થળ ઉપરથી કોઈ પણ પ્રકારનો સામાન ગાયબ થયો નથી. મૃતકની મોબાઈલ પણ સ્થળ પરથી મળી આવ્યો છે. જે પોલીસે કબજે લીધો છે. જેથી આ હત્યા પાછળનું કારણ શોધવા માટે અને હત્યારા સુધી પહોંચવા માટે પોલીસ મથામણ કરી રહી છે.