ગાંધીનગર,
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૬ સીટ સાથે ઐતિહાસિક જીત મેળવીને સત્તામાં વાપસી કરી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે. ગાંધીનગરમાં યોજાયેલા શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે ૮ ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તો બે ધારાસભ્યોને સ્વતંત્ર હવાલો અને ૬ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળમાં કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ મંત્રી છે. કેબિનેટમાં હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ મંત્રી : રાજ્યના નવા મંત્રીમંડળમાં કનુભાઈ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. કનુભાઈ દેસાઈની ઉંમર ૭૧ વર્ષ છે, એટલે કે તે રાજ્યના નવા મંત્રીમંડળમાં સૌથી વરિષ્ઠ મંત્રી છે. આ સિવાય હર્ષ સંઘવીને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવી રાજ્યના સૌથી યુવા મંત્રી છે. હર્ષ સંઘવીની ઉંમર માત્ર ૩૭ વર્ષ છે. તો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સામેલ એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાની ઉંમર ૪૭ વર્ષ છે.
રાજ્યના ૯ મંત્રીઓની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ : ગુજરાતની બીજીવાર કમાન સંભાળનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉંમર ૬૦ વર્ષ છે. તો કુંવરજી બાવળિયા નવા મંત્રીમંડળના બીજા વરિષ્ઠ મંત્રી છે, જેમની ઉંમર ૬૭ વર્ષ છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં ૬૦ કે તેથી વધુ ઉંમર ધરાવનાર મંત્રીઓની સંખ્યા ૯ છે. તો રાજ્યની કેબિનેટમાં ૮ મંત્રીઓ એવા છે જેની ઉંમર ૬૦ વર્ષથી નીચે છે. જેમાં હર્ષ સંઘવી અને કુંવરજી હલપતિ બે એવા મંત્રી છે, જેની ઉંમર ૪૦ વર્ષ કરતા ઓછી છે.
રાજ્યના મંત્રીમંડળની સરેરાશ ઉંમર ૫૦.૦૫ વર્ષ : ગુજરાતના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ ૧૭ લોકોએ શપથ લીધા છે. એટલે કે રાજ્યના કેબિનેટમાં યુવાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કેબિનેટમાં સૌથી સીનિયર મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ છે. તો યુવા મંત્રી તરીકે હર્ષ સંઘવી સામેલ છે. એટલે કે રાજ્યના નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર ૫૦.૦૫ વર્ષ છે.
કેબિનેટ મંત્રીઓની ઉમર જોઇએ તો ભૂપેન્દ્ર પટેલ (૬૦ વર્ષ) (મુખ્યમંત્રી),કનુભાઈ દેસાઈ (૭૧ વર્ષ),બળવંતસિંહ રાજપૂત (૬૦ વર્ષ),રાઘવજી પટેલ (૬૪ વર્ષ),ૠષિકેષ પટેલ (૬૧ વર્ષ),કુંવરજી બાવળિયા (૬૭ વર્ષ),મૂળુભાઈ બેરા (૫૭ વર્ષ),કુબેર ડિંડોર (૪૮ વર્ષ),ભાનુબેન બાબરિયા (૪૭ વર્ષ),રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર),હર્ષ સંઘવી (૩૭ વર્ષ),જગદીશ પંચાલ (૪૯ વર્ષ),રાજ્યમંત્રી,પરષોત્તમ સોલંકી (૬૧ વર્ષ),બચુભાઈ ખાબડ (૬૭ વર્ષ),મુકેશ પટેલ (૪૭ વર્ષ),પ્રફુલ પાનસેરિયા (૫૧ વર્ષ),ભીખુસિંહ પરમાર (૬૩ વર્ષ),કુંવરજી હલપતિ (૩૯ વર્ષ) છે.