ગુજરાતની જનતાએ ફ્રીની રેવડી

તુષ્ટીકરણ અને ખોખલા વચનોને ફગાવી દીધા: ભવ્ય જીત બાદ અમિત શાહે આપી શુભકામના.

નવીદિલ્હી,

: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ રેકોર્ડ જીત તરફ આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેને અભૂતપૂર્વ જનાદેશ ગણાવ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે, ગુજરાતે રેવડી, તુષ્ટીકરણ અને ખોખલા વાયદાની રાજનીતિને ફગાવીને ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, આ પ્રચંડ જીતે દેખાડી દીધું છે કે, દરેક વર્ગ પછી તે મહિલા હોય કે, યુવાન હોય કે પછી ખેડૂત તમામે દિલ ખોલીને ભાજપને સાથ આપ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાત હંમેશા ઈતિહાસ રચવાનું કામ કરે છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ પ્રધાનમંત્રી મોદીના વિકાસ મોડલમાં જનતાના અતૂટ વિશ્વાસ ની જીત છે.

ગૃહમંત્રી અમિત શાહે ભાજપની રેકોર્ડ જીત પર જનતાને નમન કર્યું અને સાથે જ પાર્ટી કાર્યર્ક્તાઓને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને નમન કરુ છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જેપી નડ્ડાની અધ્યક્ષતા માં મળેલી ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને અથાગ પરિશ્રમ કરનારા ગુજરાત ભાજપના તમામ કાર્યર્ક્તાઓને શુભકામનાઓ આપું છું.

એ યાદ રહે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ લગભગ જાહેર થઈ ગયું છે. ત્યારે આ વખતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠક જીત્યાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે અને ૧૫૦ કરતાં વધુ સીટ પર જીત હાંસલ કરી છે. મહત્ત્વનું છે કે, આ વખતે ભાજપે અમુક નવા ચહેરાને સ્થાન આપીને સાહસ કર્યુ હતુ તે પણ ફળીભૂત થયું છે. તો ઘણી બેઠક પર જૂનાજોગીને રિપિટ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર રહ્યા હતા અને તેમણે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકની હાર થઇ છે. ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેકોર્ડ બ્રેક ૧ લાખ ૯૧ હજાર મતોથી જીત થઇ છે.