અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાસંદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારી ગુજરાત પહોંચ્યા છે. જ્યાં તેમણે અમદાવાદમાં એક જનસભા સંબોધી. જેમાં મનિષ તિવારીએ મોરબી દુર્ઘટના વિશે નિવેદનબાજી કરી હતી. મનિષ તિવારી મોરબી દુર્ઘટના પર જણાવ્યું હતું કે, આ ગંભીર દુર્ઘટનામાં ૧૪૧ લોકોના મોત થયા છતા કોઇ કાર્યવાહી સરકારે ન કરી. ગુજરાત હાઇકોર્ટે ટકોર કરવી પડી છતા કોઇ કાર્યવાહી ન થઇ. મારો સવાલ છે કે આ ઘટનામાં જવાબદાર મોટા આરોપીઓની કેમ ધરપકડ ન થઇ. મનિષ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં અંહકાર મોટો થયો છે, તેથી તેઓ કોઇ કાર્યવાહી કરતા નથી. ગુજરાતની જનતાને અપીલ છે કે હવે ભાજપનો અંહકાર તોડવો જોઇએ. ૨૦૧૭માં ફરી એકવાર ભાજપને મોકો મળ્યો, પણ પાંચ વર્ષમાં ત્રણ સીએમ બદલવા પડ્યા. મનિષ તિવારીએ આપ આદમી પાર્ટી પર જણાવ્યું હતું કે, પંજાબમાં જો આપ સફળ થઇ હોત તો કેમ હિમાચલ પ્રદેશમાં પાર્ટી ચૂંટણી ન લડી. છેલ્લા છ મહિનામાં પંજાબ કાનુન વ્યવસ્થા કથડી છે. ૨૦૦૪-૨૦૧૪ માં UPA સરકાર હતી. નિર્મલા સિતારમણે ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા, પરંતુ હકીક્ત છે કે ૨૩ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે ગયા છે. છેલ્લા ૮ વર્ષમાં સુટબુટ વાળાની સંપતિમાં અધધધ વધારો થયો છે. નોટબંદી અને GSTના કારણે ૨.૩૦ લાખ લઘુ ઉદ્યોગ બંધ થઈ ગયા છે. ભાજપ સરકારે સ્મશાનના રિનોવેશન કરાવવા ઉપર પણ જીએસટી લાગુ કરી દીધો છે. મનિષ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે ૫ વર્ષ સરકાર ચલાવવા કોંગ્રેસને મૌકો આપો. આ ૫ વર્ષની સરખામણી કરજો. અમારી સરકાર ગરીબો અને મધ્યમ વર્ગ માટે ખૂબ સારું કામ કરશે. પંજાબમાં છેલ્લા ૬ મહિનામાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે, પંજાબને ચલાવવા માટે અનુભવની જરૂર છે જે અનુભવ આપ પાસે નથી. ગુજરાતની જનતાને વિનંતી છે કે પંજાબ જેવી ભૂલ ના કરે.