ગુજરાતની દાહોદ અનાજ માર્કેટની ચુંટણી મોકુફ રખાઈ

દાહોદ, દાહોદ જિલ્લામાં લોકસભાની ચુંટણીઓના પડધમ વાગી રહ્યા છે. તેવા સમયે ગુજરાતની બીજા નંબરની એપીએમસી એવી દાહોદ અનાજ માર્કેટની સામાન્ય ચુંટણીઓનુ જાહેરનામુ બહાર પડતા સહકારી ક્ષેત્રે પણ રાજકિય ગરમાવો વધી ગયો હતો. પરંતુ લોકસભાની ચુંટણીઓ જાહેર થતાં હાલ પુરતી આ માર્કેટની ચુંટણી પણ બ્રેક વાગી ગઈ છે.

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની બીજા નંબરની અનાજ માર્કેટ છે. આ અનાજ માર્કેટમાં રાજસ્થાન અને મઘ્યપ્રદેશના ખેડુતો પણ પોતાનુ અનાજ વેચવા માટે આવે છે ત્યારે આ મોટા કદની એપીએમસી છે. જેથી આ અનાજ માર્કેટમાં સત્તા મેળવવા ભારે ખેંચતાણ થાય છે અને રાજકિય તેમજ સહકારી આગેવાનો અહિં ખુરશી મેળવવા એડી ચોટીનુ જોર લગાવે છે. આ અનાજ માર્કેટમાં ખેડુત વિભાગના 10, વેપારી વિભાગના 4 તેમજ દાહોદ સહકારી ખરીદ-વેચાણ સંઘના 2 સભ્યો ચુંટણીના હોય છે. હવે હાલના સભ્યોની મુદ્દત પુર્ણ થતી હોવાની સહકાર વિભાગે આગામી ચુંટણી કરવા માટેનુ જાહેરનામુ બહાર પાડી દીધુ હતુ તે પ્રમાણે તા.25 મેના રોજ ઉમેદવારી પત્રો ભરવાના હતા. તેમજ તા.26મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવાની હતી. ત્યારબાદ તા.29મેના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા બાદ તા.5 જુનના રોજ દાહોદ અનાજ માર્કેટમાં મતદાન યોજાવાનુ હતુ. તેમજ તેના બીજા જ દિવસે 6 જુનના રોજ અનાજ માર્કેટમાં મત ગણતરી યોજાશે તેવી સત્તાવાર જાહેરાત પ્રાપ્ત થઈ છે. આ ચુંટણીઓ ભાજપ કે કોંગ્રેસ પક્ષના ચિહ્ન ઉપર લડાતી નથી પરંતુ રાજકિય પક્ષો પ્રેરિત ઉમેદવારોની પેનલો ઉભી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે,દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 31 ઓગસ્ટ 2013થી ભાજપ પ્રેરિત પેનલનુ શાસન છે. અને વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જ 10 વર્ષથી દાહોદ માર્કેટના ચેરમેન છે. જોકે હવે લોકસભાની ચુંટણીઓ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જેને કારણે દાહોદ એપીએમસીની ચુંટણી હાલ પુરતી મોકુફ કરી દેવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.