ગુજરાતની ૨૬ બેઠકો ભાજપને જ મળશે, કોંગ્રેસીઓ ખોટા ભ્રમ ફેલાવી રહ્યા છે,મોઢવાડીયા

અમદાવાદ, ભાજપના આગેવાન અર્જુન મોઢવાડિયાએ ગરમીમાં રાજકારણ ગરમાવ્યું અજમાવ્યું છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપને મળનારી સીટોને લઈને ટ્વીટ કરતાં રાજકારણ ગરમાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપની પાંચથી છ બેઠકોને લઈને કોંગ્રેસીઓ ખોટા ભ્રમ ફેલાવી રહ્યા છે.

ભાજપ ગુજરાતમાં એક બેઠક પર બિનહરીફ થયું છે, જ્યારે બાકીની ૨૫ સીટો પર ભાજપ જીતશે તે નક્કી છે. આમ અર્જુન મોઢવાડિયાની ટ્વીટે ગુજરાતના રાજકારણમાં ગરમી આણી દીધી છે. ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયા વિપક્ષમાં હતા ત્યારે તે કોંગ્રેસના એકમાત્ર એવા આગેવાન હતા જેની વાત ભાજપ ગંભીરતાથી લેતું હતું અને તેનો જવાબ પણ આપતું હતું.

હવે અર્જુન મોઢવાડિયાએ સત્તા પક્ષના સભ્ય બનીને કોંગ્રેસની સામે મહત્ત્વનું ટ્વીટ કર્યુ છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં ભાજપને આ વખતે ઓછી બેઠકો આવશે તેવું કહેનારા કોંગ્રેસીઓને તેમણે જવાબ આપ્યો છે.

અર્જુન મોઢવાડિયાના વેધક વાગ્પ્રહારોએ પણ કોંગ્રેસને પણ હતપ્રભ કરી દીધી છે. તેમને ભાજપમાંથી જવાબ મળશે તેવી આશા હતી, પરંતુ અર્જુન મોઢવાડિયા પ્રહાર કરશે તેવી આશા ન હતી. તેથી તેની કળ વળતા કોંગ્રેસને પણ સમય લાગ્યો.

આમ છતાં કોંગ્રેસે તેનો જૂનો રાગ આલાપવાનું જારી રાખ્યું છે અને જણાવ્યું છે કે ભાજપને આ વખતે તો ૨૬ બેઠક નહીં જ મળે. જ્યારે તેની સામે ભાજપનો જવાબ છે કે કોંગ્રેસ ઘસાયેલી ટ્યુન જ વગાડી રાખે છે. કશું નવું બોલતી નથી. ભાજપનો વિરોધ કરતાં પણ લોકોને ગળે ઉતરે તેવી બાબત રજૂ કરી શક્તી નથી. આ સંજોગોમાં લોકોને કોંગ્રેસની વાતનો વિશ્ર્વાસ ક્યાંથી આવે.