
ગાંધીનગર, વાહન વ્યવહાર વિભાગ દ્વારા આગામી સમયમાં કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યના શહેરોમાં આધુનિક ડબલ ડેકર બસ દોડાવવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૫૦૦ નવી એસટી બસ ખરીદી તેના ૭૦૦ જેટલા નવા શિડયુલ શરુ કરવામાં આવશે. એસટીની ૨૮૦૦થી વધુ નવી ટ્રીપ ચાલુ કરવા ૪૦૬૨ ડ્રાઇવર, ૩૩૪૨ કંડકટર, ૨૮૨૭ મિકેનીક, ૧૬૯૬ કલાર્ક કુલ મળી ૧૧ હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૪-૨૫નું વાહન વ્યવહાર વિભાગનું ૩૩૭૦.૩૩ કરોડ રુપિયાનું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિભાગના ઇતિહાસમાં આ સૌથી વધુ રકમનું બજેટ છે. એક વર્ષમાં એસટી બસમાં મુસાફરીની સંખ્યામાં બે લાખનો વધારો થવા પામ્યો છે. આગામી ૫ દિવસમાં ૫૦૦થી વધુ નવી બસો મુસાફરોની સેવામાં મુકાશે. નિગમની નીતિ અનુસાર વર્ષ ૨૦૧૧ પહેલાં અવસાન પામેલા નિગમના ૨૪૦થી વધુ કર્મચારીઓના આશ્રિતને આગામી સમયમાં કલાર્કની કક્ષામાં નિમણુક પત્ર એનાયત કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં મહાનગરોમાં ૨૪ કલાકમાં તથા અન્ય જગ્યાએ ૨ થી ૩ દિવસમાં લાયસન્સ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાના પ્રયત્નો હાથ ધરાશે. એસટી પરિવહનમાં એક પણ બસ તુટેલી ના રહે તે માટે ૧૦૦ દિવસમાં તમામ બસોનું ડેન્ટિંગ અને પેઇન્ટિંગની કાર્યવાહી મિશન મોડ પર હાથ ધરાશે. તે સાથે આગામી મહિને ૧૫ એસટી બસ ડેપો અને સ્ટેશનના ખાતમુહુર્ત કરાશે. વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૨૭ ડેપો અને બસ સ્ટેશન બનાવવાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, દરેક ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં જરૂરી બે એસટી ટ્રીપ શરુ કરવા માંગ કરશે તો તે અપાશે. ૬૦ દિવસ સુધી તેનું મોનિટરિંગ કરીને તે નફો કરતા હશે તો ચાલુ રખાશે અન્યથા બંધ રખાશે. મોબાઇલ એપ્લિકેશન થકી નિગમની તમામ ડિજિટલ સેવા રિયલ ટાઇમ ઉપલબ્ધ કરાવાશે.સ્ક્રેપિંગ ફેસિલિટીમાં વાહન પરના વેરાની માફીની જાહેરાત પણ કરાઇ હતી. જેમાં જે વાહનો સ્ક્રેપમાં જાય છે તેવા ૮ વર્ષથી વધુ વય મર્યાદા ધરાવતા વાહનો પરના બાકી ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની અંદાજીત ૭૦૦ કરોડ જેટલી રકમ માફ કરાશે.