અમદાવાદ, સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને હાઇકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસમાં સામાજિક કાર્યકર તિસ્તા શેતલવાડના જામીન હાઇકોર્ટે ફગાવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે તિસ્તા સેતલવાડને જામીન આપવા ઇનકાર કર્યો છે. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે પોલીસ સમક્ષ હાજર થવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ખોટા પુરાવાઓ અને એફિડેવીટ રજૂ કરીને ગુજરાતને બદનામ કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે.
વર્ષ ૨૦૦૨માં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યા ઉપર તોફાનો ફાટી નીકળ્યા હતા અને ખાસ કરીને ગોધરા અને અમદાવાદના તોફાનો બાદ ગુજરાત રાજ્ય અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના આશયથી સામાજિક કાર્યકર સેતલવાડ ઉપર ગંભીર આરોપ લાગ્યા હતા. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ પણ નોંધાયો હતો. અત્યારે સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે.
જામીન પર મુક્ત સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી જે મામલે ગુજરાત હાઇકોર્ટ સતત ૧૨ દિવસ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સંભળાવ્યો છે અને તિસ્તા સેતલવાડને જામીન આપવા માટે ઇનકાર કર્યો છે.
મહત્વનું છે કે ૨૦૦૨ ના રમખાણમાં ગુજરાતને બદનામ કરવાના કેસમાં ૪૫ ની સાથે સાથે પૂર્વ ડીજીપી આરબીસી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે પણ તપાસ ચાલી રહી છે અને સેશન કોર્ટમાં હાલ આ કેસ પેન્ડિંગ છે તેવા સમયે આ અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપી દ્વારા અનેક ખોટા સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અનેક ડોક્યુમેન્ટ પણ ખોટા તૈયાર કરવામાં આવ્યા હતા તેવા સમયે જ્યારે પોલીસને સઘન તપાસની જરૂર છે તે સંજોગોમાં આરોપી તરફથી તપાસમાં યોગ્ય સહકાર પણ નથી મળી રહ્યો તે સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે અને આરોપી તિસતા સેતલવાડને તાત્કાલિક ધોરણે પોલીસ સમક્ષ સેરેન્ડર કરવા પણ જણાવ્યું છે.