
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ અને ઓનલાઇન ગેમના બ્લેકમની રેકેટનો પર્દાફાશ થયો છે. CID ક્રાઇમે સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. અમિત મજેઠિયા એન્ડ કંપનીએ બોગસ ખાતામાં કરોડોની હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ અને ઓનલાઇન ગેમના બ્લેકમની રેકેટનો પર્દાફાશ થયો છે. CID ક્રાઇમે સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. અમિત મજેઠિયા એન્ડ કંપનીએ બોગસ ખાતામાં કરોડોની હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. CID ક્રાઇમને મળેલી નનામી અરજીમાં ત્રણ બેંક ખાતાની વિગતો મળી હતી. જેની પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયાનું સામે આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન કુલ 35 શંકાસ્પદ બેંક ખાતા સામે આવ્યા હતા. જેમાં રૂ 1200 કરોડના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 1200 કરોડમાંથી રૂપિયા 600 કરોડ બેંક ખાતામાં જમા પણ થઇ ગયા છે.
હવે સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો લોન કે રૂપિયાની જરૂરિયાત વાળા લોકોને શોધતા હતા. લોન કે સહાયની લાલચે બેંક ખાતુ ખોલાવવા દબાણ કરતા હતા. બેંકમાં ખાતુ ખોલાવવા માટે લોકો પાસેથી દસ્તાવેજો મેળવતા અને બેંક ખાતું ખોલ્યા બાદ આરોપીઓ વ્યક્તિને અમુક રકમ આપતા હતા. વ્યક્તિની જાણ બહાર એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું લાઇસન્સ મેળવતા હતા. લાઇસન્સના આધારે આરોપીઓ બોગસ કંપની ખોલતા હતા. કંપનીના બોગસ ખાતામાં કરોડોના વ્યવહારો કરવામાં આવતા.
હાલ CID ક્રાઇમે અલગ અલગ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.જેમાં અમિત મનસુખ મજેઠિયા, કુખ્યાત સટ્ટાકિંગ ઓમશંકર તિવારી જે નવી દિલ્લીનો વતની છે.ભાવેશ ગોપાલ સચાણીયા અને અશ્વિન મનસુખ સચાણીયા, જેનું મૂળ વતન જૂનાગઢ છે.ધનંજય પ્રવિણ પટેલ, જે બાલાસિનોરનો વતની છે. ભાવેશ ભુરાભાઇ જોશી, જે કાંકરેજના થરાનો વતની છે.જ્યારે અમદાવાદના વિક્કી સહિત કુલ 7 લોકો વિરૂદ્ધ FIR નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમને 3 બેંક ખાતાની અરજી મળી હતી. આ ખાતાની તપાસમાં સમગ્ર કૌભાડનો પર્દાફાશ થયો છે. આ ત્રણ બેંક ખાતાની વિગતો પર નજર કરીએ તો હેમંતકુમાર સિરવાલ કંપનીના નામે ઇન્ડસઇન્ડ બેંકમાં હેમંત ટ્રેડિંગનું બેંક ખાતું ખોલાયું હતું. તો શિવમ દિનેશભાઇ રાવલના નામે આઇડીએફસી બેંકમાં શિવમ ટ્રેડિંગ નામનું બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું.જ્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં વાઘેલા ખોનાજી ગોકાજીના નામે બેંક ખાતું ખોલાયું હતું. આ ત્રણેય ખાતાના બેંકિંગ વ્યવહારોની તપાસમાં રૂ.1200 કરોડના કૌભાંડનો ખુલાસો થયો છે.