ગુજરાતના સાંસદ સી.કે.પટેલ સંસદમાં હાજર રહ્યાં પણ એકેય સવાલ પૂછ્યો નહીં

લોકસભાનુ સત્ર ચાલી રહ્યુ છે અને સરકાર સામે ચોક્કસ સવાલો કરતા વિપક્ષના સાંસદોને બરતરફ કરવાનો સિલસીલો જારી રહ્યો છે. આ તરફ, ગુજરાતના ભાજપના ઘણાં સાંસદો સંસદમાં સવાલ પૂછવામાં ય પાછીપાની કરતાં હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ભાજપના વલસાડના સાંસદ કે.સી.પટેલે સંસદમાં સમખાવા પુરતો એકેય સવાલ પૂછ્યો નથી. જોકે, નારણ કાછડિયાએ સૌથી વધુ 448 પ્રશ્નો પૂછી, ચર્ચામાં ભાગ લઇ સંસદમાં સક્રિય હોવાનુ સાબિત કર્યુ છે.

બીજી બાજુ, હાજરીની દૃષ્ટિએ રિપોર્ટકાર્ડ જોતાં સૌથી વધુ મતોથી જીતનારાં સાંસદ સી.આર.પાટીલ અન્ય ગુજરાતી સાંસદોની સરખામણીમાં સંસદમાં ઓછા હાજર રહ્યા છે. હાજરી જ નહીં, પાટીલે માત્ર બે વખત જ ચર્ચામાં ભાગ લીધો છે.

આમ, દિલ્હી જઇને સાંસદોનો કલાસ લેતા પાટીલનો જ રિપોર્ટકાર્ડ નબળો છે. 17મા લોકસભા સત્રમાં ગુજરાત ભાજપના 26 સાંસદોનો રિપોર્ટકાર્ડ મળ્યું છે જે મુજબ, એ વાત પ્રસ્થાપિત થઇ છેકે, સંસદમાં વિવિધ વિષય-મુદ્દાઓની ચર્ચામાં સાંસદને જાણે રસ જ નથી. ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બે ડિબેટમાં જ ભાગ લીધો છે. આ ઉપરાંત રાજેશ ચુડાસમાએ છ ડિબેટ, રમેશ ધડુકે 7 ડિબેટ, દિપસીંહ રાઠોડે 9 ડિબેટ, જશવંત ભાભોરે 16, કે.સી.પટેલે 5 ડિબેટમાં ભાગ લીધો છે. ડો.કીરીટ સોલંકીએ સૌથી વધુ 99 અને નારણ કાછડિયાએ 80 ડિબેટમાં હિસ્સો લીધો છે.

સંસદમાં હાજરી આપવાના મામલે સાંસદ કિરીટ સોલંકી, મિતેશ પટેલ, પરબત પટેલ, હસમુખ પટેલ,રતનસિંહ રાઠોડ,દિપસીંહ રાઠોડ, શારદાબેન પટેલ, ગીતાબેન રાઠવા ટોપના સ્થાને રહ્યા છે. આ બધાય સાંસદોએ સત્ર દરમિયાનમાં 95 ટકા હાજરી આપી છે. જયારે સી.આર.પાટીલ, વિનોદ ચાવડા,રાજેશ ચુડાસમા, રમેશ ધડૂકની સત્ર દરમિયાન 71 ટકા આસપાસ હાજરી રહી છે. સૌથી સક્રિય સાંસદ નારણ કાછડિયા રહ્યા છે કેમકે, સૌથી વધુ 448 સવાલો પૂછ્યા છે. એટલુ જ નહીં, 80 વખત ચર્ચામાં ભાગ લીધો છે. ચાર વખત બિલ પણ રજૂ કર્યા છે.

સવાલો પૂછવામાં સાંસદ ભરતસિંહ ડાભી પણ ખૂબ જ પાછળ રહ્યા છે તેમણે માત્ર છ સવાલો જ પૂછ્યા છે. વિનોદ ચાવડાએ 88, રમેશ ધડૂકે 36 જ પ્રશ્નો પૂછ્યા છે. મનસુખ વસાવાએ 125, સી.આર.પાટીલે 107,પ્રભુ વસાવાએ 95 સવાલો પૂછ્યા હતાં. અન્ય સાંસદોએ સોથી વધુ સવાલો પૂછીને કેન્દ્રીય મંત્રીઓ પાસેથી વિવિધ વિષયો મુદ્દે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો હતો. આમ, રિપોર્ટકાર્ડ પરથી એ વાત નક્કી થઇકે, ગુજરાતના કેટલાંક સાંસદોની સંસદમાં નિરસતા રહી છે.