ગાંધીનગર, લોક્સભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગત રાત્રે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૧૦૦ લોક્સભા બેઠકો પર ઉમેદવારોનાં નામને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકોટ લોક્સભા સીટ પરથી દિગ્ગજ નેતાને ટિકિટ આપવા પર ભાજપ હાઈ કમાન્ડ વિચારણા કરી રહ્યું છે. રાજકોટ બેઠક પર આગામી ટૂંક સમયમાં નિર્ણય થઈ શકે છે.
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપામી લોક્સભા ચૂંટણી લડી શકે છે. રાજકોટ લોક્સભા બેઠક ઉપર ઉપર ભાજપ હાઈ કમાન્ડ નવો અખતરો કરી શકે છે. અનેક પૂર્વ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાના નિર્ણયને પગલે વિજય રૂપાણી લોક્સભાની ચૂંટણી લડી શકે છે. વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. વિજય રૂપાણીના નામ પર આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે.
લોક્સભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી ટુંક સમયમાં જાહેર થઈ શકે છે. ગુજરાતનાં પણ લોક્સભા સીટનાં આઠ થી દસ જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડશે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલ નવસારી, ભાવનગરથી મનસુખ માંડવીયા અને જામનગરથી પૂનમ માડમની ટીકીટ નક્કી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ ભાજપ દ્વારા લોક્સભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ યાદીમાં ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પ્રભારીઓ અને સહ-પ્રભારીઓના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણનાં પ્રભારી નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાતનાં બે નેતાઓને લોક્સભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રાજ્યમાં પાર્ટીએ પહેલીવાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. વિજયભાઈ રૂપાણીએ માત્ર ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી.