જામનગર શહેરમાં વરસાદની સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શહેના કેટલાક વિસ્તારોમાંથી કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા. જેને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર પહોંચી હતી. બીજી તરફ જે વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની માગણીના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા ધરારનગર-૨ ખોજાવાડ, લાલખાણ, વામ્બે આવાસ, રવિપાર્કના સહિત નાં કેટલાક વિસ્તારમાં ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા હતા. આ માટે જરૂરી જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોલેરા ગ્રાસ્ત વિસ્તારની ગાંધીનગરની આરોગ્ય ટીમ મુલાકાત લીધી હતી. ત્યારે હવે આ મહામારીથી સાવધાન રહેવાનો સમય આવી ગયો છે.
રાજકોટના લોહાનગર વિસ્તારમાંથી કોલેરાનો ૧ કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે. આસપાસનાં વિસ્તારોમાં જુદી-જુદી ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ઉપલેટાના ગણોદ-તણસવા રોડ ઉપર કોલેરાએ પાંચ બાળકોનો ભોગ લીધો હતો. ત્યારે હવે ઉપલેટાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે. રાજકોટ શહેરના લોહાનગર વિસ્તારમાંથી કોલેરાનો ૧ કેસ સામે આવતા મહાનગરપાલિકા તંત્રમાં દોડધામ મચી છે. લોહાનગર સહિત શહેરના તમામ શંકાસ્પદ હોય તેવા વિસ્તારોમાં મનપાનાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સાવચેતીના તમામ પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
કચ્છના માંડવીમાં દૂષિત પાણી મુદ્દે નગરપાલિકામાં હંગામો મચ્યો હતો. સ્થાનિકો તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર રજુઆત કરાઈ હતી અને દૂષિત સમસ્યાનો હલ કરવા ૨૧ જૂન સુધી અલ્ટીમેટમ અપાયું હતું. ત્યારે સમસ્યા હલ ન થતા પાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ કે, અગાઉ જાણ કરી હોવા છતાં પગલાં ન લેવાતાં કોલેરા જાહેર કરવું પડ્યું. ત્યારે માંડવી વિસ્તારને એક મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે.