ગુજરાતના મતદાનના આંકડા આવતા જ અમિત શાહે રાતોરાત બેઠક કરી

ગાંધીનગર,ગુજરાતમાં મતદાન બાદ સાંજે આંકડા આવતા જ રાજકીય પક્ષોનુ ટેન્શન વધી ગયું છે. કારણ કે, ગુજરાતમાં ૨૫ બેઠકો પર સરેરાશ ૬૦ ટકાથી ઓછું મતદાન થયું છે. વલસાડ ૭૨ ટકા વોટિંગ સાથે અવ્વલ છે, તો અમરેલીમાં માત્ર ૪૯ ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં લોક્સભાની ૨૫ બેઠકો પર સરેરાશ ૬૦% મતદાન જ થયું છે. મતદાનના આંકડા આવતા જ ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી હતી. કારણ કે, મતદાનના આંકડા ભાજપની જીતનું ગણિત ઉંધુ પાડી શકે છે. ઓછું મતદાન જોતા જ કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી જવાનું ટાળીને રાતોરાત ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પરિણામની ચર્ચા કરી હતી.

બપોર બાદ ધીમુ મતદાન અને સાંજ પછી ઓછા મતદાનના આંકડાથી ભાજપના પેટમાં ફાળ પડી છે. કારણ કે, માનો ય ન માનો, પરંતું ક્ષત્રિય આંદોલનની અસરથી ભાજપના કાર્યકરોની મહેનત ઊંધી પડી છે. તેમાં પણ ભાજપમાં આંતરિક નારાજગી પણ જોવા મળી હતી. ત્યારે આ પરિણામથી શું અસર થશે તે અંગે મતદાન પછી અમિત શાહે મોડી રાત સુધી કમલમમાં પ્રદેશના નતાઓ સાથે ચર્ચાઓ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી જવાનું ટાળી સંભવિત પરિણામ અંગે સમીક્ષા કરી હતી.

ભાજપે ગુજરાતની ૨૫ બેઠકો પર ૫ લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પરંતું ઓછા મતદાથી ભાજપનું પાંચ લાખ લીડથી દરેક બેઠક જીતવાનું સપનું ચકનાચૂક થઈ શકે છે. તેથી હવે ભાજપે આ માટે મંથન શરૂ કર્યું છે. કઈ બેઠકમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને ક્યાં ફાયદો થશે તે અંગે મંથન શરૂ કરવામાં આવ્યું છે. આ કારણે અમિત શાહે દિલ્હી જવાનું ટાળ્યુ હતું.

દિલ્હી જવાને બદલે અમિત શાહ રોકાઈ ગયા હતા. સૂત્રો અનુસાર, કમલમમાં મોડી રાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ, હોદ્દેદારો અને વિવિધ બેઠકના પ્રભઆરી હાજર રહ્યા હતા. તો બીજી બેઠક અમદાવાદના એસજી હાઈવે સ્થિત કાર્યાલયમાં પણ યોજાઈ હતી. ભાજપની આ બેઠકો ચર્ચાનું કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેઠકોમાં પાર્ટીના કયા નેતાઓ નારાજ છે, અને કાર્યર્ક્તાઓની નારાજગી અંગે ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત આ બેઠકમાં કોંગ્રેસ પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. કઈ બેઠકો પર કોંગ્રેસનું પલડુ ભારે છે. કેટલીક બેઠકો પર વિપક્ષનું પલડું ભારે છે અને આ બેઠકો પર શું ફાયદો થશે તે અંગે ચર્ચા થઈ હતી.