ગુજરાતનાં મંત્રીનો આદેશ વાવાઝોડાની જેમ ’ઉડાવી દીધો’, અન્ય પરિણીત અધિકારીની લવ સ્ટોરી બની હોટ ટૉપિક

અમદાવાદ, ભૂપેન્દ્ર પટેલ સરકારના એક સિનિયર મંત્રીનું નોમિનેટેડ IAS અધિકારી સાંભળતા ન હોવની રાવ ઉઠી છે. તો અમદાવાદના યોગ દિવસના કાર્યક્રમમાં ધારાસભ્યની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. સાથે જ ગાંધીનગરના નવા સચિવાલયના એક અધિકારીની લવસ્ટોરીએ ચર્ચા જગાવી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં એક મુદ્દો વારંવાર ઉઠતો હતો કે અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા નથી. રૂપાણી સરકારમાં અનેક ધારાસભ્યોએ જાહેરમાં અધિકારીઓ વિરુદ્ધ બળાપા પણ કાઢ્યા હતા સૌને એવું હતું કે ભૂપેન્દ્ર સરકારમાં આ બધુ બંધ થશે. પરંતુ આવું થયું નથી. ગાંધીનગરમાં જ એક સિનિયર મંત્રી હેઠળ આવતા એક નોમિનેટેડ અધિકારી વિરુદ્ધ રાવ ઉઠી છે. બીજા કોઈએ નહીં પરંતુ આ ફરિયાદ ખૂદ મંત્રીજીની છે. આ નોમિનેટેડ આઈએએસ અધિકારી મંત્રીજીનું પણ સાંભળતા નથી. બન્યું એવું કે મંત્રીજીએ વહીવટી પ્રક્રિયાના ભાગ હેઠળ આ અધિકારીશ્રીને ફાઈલ રજૂ કરવા આદેશ કર્યો. પરંતુ સિનિયર મંત્રીના આદેશને અધિકારીએ જાણે કે બિપરજોયના વાવાઝોડા સાથે ઉડાવી મૂક્યો. હવે મંત્રીજી પાસે ખાનગીમાં હૈયાવરાળ કાઢવા સિવાય છૂટકો જ નથી.

અમદાવાદ મહાનગરપાલિકાએ રંગચંગે યોગ દિવસની ઉજવી નાખ્યો. કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં રિવરફ્રન્ટ પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, સાંસદ હસમુખ પટેલને વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપનાં ચૂંટાયેલા પાંખના ધારાસભ્ય બાબુ પટેલ, અમિત શાહ, જીતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, અમુલ ભટ્ટ, અમિત ઠાકર, કૌશિક જૈન, અલ્પેશ ઠાકોર, ડો.હસમુખ પટેલ, ડો.પાયલ કુકરાણી અને દર્શનાબેન વાઘેલાને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપ્યું હતું. એટલું જ નહીં આ તમામ મહાનુભાવો માટે સ્ટેજ પર ખુરશી પણ મુકાઈ હતી. પરંતુ એક પણ ધારાસભ્ય યોગ કાર્યક્રમમાં દેખાયા નહીં અને ખુરશી સ્ટીકર લાગ્યા હતા છતાં કોઈ યોગ માટે દેખાય નહીં તો યોગ કરવાની વાત તો દૂર રહી. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ હાજર રહ્યા પરંતુ ડો.કિરીટ સોલંકી ગેરહાજર રહ્યા. ધારાસભ્યોની યોગ દિવસમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે શક્તિસિંહે વાજતે ગાજતે ચાર્જ સંભાળી લીધો. આગમન સાથે જ શક્તિસિંહે ઘરવાપસીનો કાર્યક્રમ શરૂ કરી દીધો. વિધાનસભા ચૂંટણીમાં આપમાં ગોઠવાઈ જનારા જૂના કૉંગ્રેસી વશરામ સાગઠીયાને કૉંગ્રેસમાં પાછા લાવી દીધા. સંકેત પણ આપી દીધા કે કૉંગ્રેસ છોડી જનારા ફરી પક્ષમાં આવે તો તેમનું સ્વાગત છે. હવે જોઈએ આ આહ્વાનનો પ્રતિસાદ શું રહે છે!

વાવાઝોડા, બફારા અને વરસાદ વચ્ચે કઈ મૌસમ ચાલે તેની તો ખબર નહીં પરંતુ નવા સચિવાયલમાં ઈલ ઈલુની મૌસમ ચાલી રહી છે. એક પરણિત પુરુષ અધિકારી અને સહકર્મી મહિલા અધિકારી વચ્ચે પ્રણયફાગ ખેલાઈ રહ્યા છે. ખૂલમખૂલા પ્યાર કરેંગેના ફિલ્મી દ્રશ્ય જાણે કે બ્લોક નંબર ૧માં ભજવાતા હોય તેવું નજરે પડી રહ્યું છે. અત્યારે તો લવ સ્ટોરી ૨૦૨૩ નવા સચિવાલયમાં હોટ ટોપિક બન્યો છે