ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. જ્યાં ઘરનું બજેટ માંડ માંડ સચવાતું હોય, ત્યાં સંતાનોની શાળાની ફીની સાથે હવે અન્ય ખર્ચામાં પણ વધારો થવા જઈ રહ્યો છે. શાળાઓ ખૂલતા પહેલા જ વાલીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરીને ૪૪૦ વોટનો ઝટકો આપ્યો છે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી, જેમાં રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડા વિશે આ નિર્ણય લીધો છે.
વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી દીધો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ?૨૦૦ અને કુલ રિક્ષામાં ?૧૦૦ નો વધારો કર્યો છે. ત્રણ વર્ષ બાદ રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી વાલીઓએ મિનિમમ રિક્ષા ભાડું ?૬૫૦ને બદલે ૭૫૦ જ્યારે સ્કૂલ વાનનું મિનિમમ ભાડું ૧,૦૦૦ ને બદલે ૧૨૦૦ રૂપિયા ચૂકવવાના થશે. જો કે કિલોમીટર દીઠ ભાડામાં વધારો નક્કી કરાયો છે. આરટીઓના ખર્ચ વીમો સ્પેરપાર્ટ તેમજ મોંઘવારીના કારણે વધારો કરાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં સ્કૂલવાન અને રિક્ષાચાલક માટે કડક નિયમો રાખવામાં આવ્યા છે, જેમાં વાહન પાસીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ શરૂ થવા જઇ રહી છે ત્યારે વાહન પાસિગની મુદત વધારવામાં આવે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનએ વાહન વ્યવહાર વિભાગને આવેદન પત્ર આપ્યું છે. જેમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં ફિટનેસ સટફિકેટ લેવા સમય વધારી આપવા માંગ કરાઈ છે.
અમદાવાદ શહેરમાં ૧૫ હજારથી વધુ સ્કૂલ વર્દીના વાહનો ફરે છે. હાલ દરરોજ ૧૫ થી ૨૦ વાહનોને જ સટફિકેટ મળે છે. આરટીઓ કચેરી દ્વારા આજથી સ્કૂલ વર્ધીના વાહનોને સટફિકેટ આપવા અલગથી કર્મચારીઓની વ્યવસ્થા કરી આપશે.