અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યાધુનિક વાહનો ખરીદવામાં આવશે. તેમજ દિલ્હી ગુજરાત ભવનના મહેમાનોની સરભરા માટે ૨ વાહનો લેવાશે. તથા પોલીસના ભંગારવાડે જનારા વાહન સામે નવી ખરીદી માટે રૂપિયા ૨૪ કરોડ ખર્ચાશે. તેમાં ગુજરાતમાં સમયાંતરે વિવિધ મહાનુભાવોની અવર-જવર રહેતી હોય છે તેથી આ નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યાધુનિક વાહનો ખરીદવા પાછળ ૬.૫૮ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતમાં સમયાંતરે વિવિધ મહાનુભાવોની અવર-જવર રહેતી હોય છે, આ સ્થિતિમાં સુરક્ષા સહિતની બાબતોને યાને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ ખર્ચ કરવામાં આવશે, આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એસીબી, નવા પોલીસ સ્ટેશનો વગેરે માટે પણ નવા વાહનોની ખરીદી માટેનો નિર્ણય લેવાયો છે, જેની પાછળ આગામી સમયમાં કરોડોનો ખર્ચ કરવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે વાહનો ખરીદવાની દરખાસ્ત મુકાઈ છે, જેને લઈ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અરસામાં ૬.૫૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવન ખાતે પણ અનેક મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લેતાં હોય છે, તેમની આગતા સ્વાગતા માટે પણ વર્ષ ૨૦૨૪-૨૫માં બે નવાં વાહનો ખરીદવામાં આવશે, જેની પાછળ ૫૩ લાખ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં નવા જે પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે ૮.૮૩ કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૪.૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.