ગાંધીનગર, સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિક્તા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોનો સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઇ શકે, તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે.
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રૂ.૧૩૯૮ કરોડની જોગવાઈ.
સંત સુરદાસ યોજનાનો લાભ, બી.પી.એલ. કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ રૂ.૮૭ કરોડની જોગવાઈ.
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) ૭૦ હજાર લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે રૂ.૮૪ કરોડની જોગવાઈ.
દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં નિ:શુલ્ક મુસાફરી આપવાની યોજના હેઠળ પાકન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતામાં તેમની સાથે તેમના સહાયકને પણ ૧૦૦% નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવા રૂ. ૬૫ કરોડની જોગવાઈ.
અનુસૂચિત જાતિ અને વિક્સતી જાતિની અંદાજે ૬૧ હજાર કન્યાઓને મામેરા માટે સહાય આપવા રૂ.૭૪ કરોડની જોગવાઇ.
પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક ધોરણે આર્થિક સહાય આપવા માટે રૂ.૭૪ કરોડની જોગવાઈ.
પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી કન્યાઓના લગ્ન સમયે રૂ.બે લાખની સહાય આપવા રૂ.૩૦ કરોડની જોગવાઈ.
ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં યુગલોને સહાય આપવા માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ.
સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યક્તિના દુ:ખદ અવસાન બાદ કુટુંબને સહાય માટે ૨૦ કરોડની જોગવાઈ.