અમદાવાદ,
ગુજરાતના રાજકારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના તમામ સાંસદોને મંગળવારે દિલ્હીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે સાંજે ૪:૩૦ વાગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગરવી ગુજરાત ભવન ખાતે આ બેઠક યોજાશે.દિલ્હીમાં આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતા માં સાંસદો સાથે બેઠક યોજાશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે. PM મોદી પણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.
લોક્સભાની ચૂંટણીને લઇને ભાજપ અત્યારથી જ સજ્જ થઇ ગયુ છે. ગુજરાતના ભાજપના સાંસદોને આવતીકાલે મંંગળવારે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ભાજપના તમામ ૨૬ સાંસદોને તેમજ રાજ્યસભાના આઠ સાંસદોને બોલાવવવામાં આવ્યા છે. આવતીકાલની બેઠકમાં લોક્સભા ચૂંટણીને લઈને ચર્ચા થશે. કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ગત લોક્સભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ૨૬એ ૨૬ બેઠક કબ્જે કરી હતી. ત્યારે આ તમામ બેઠક પર જીત યથાવત કેવી રીતે રાખવી તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેની સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ૨૬ બેઠકમાં અત્યાર સુધીમાં હાઇએસ્ટ માર્જીનથી કેવી રીતે જીતવુ તેને લઇને આ બેઠક યોજાશે. અહેવાલો એવા પણ પ્રાપ્ત થયા છે કે આ બેઠકમાં થોડી વાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
પાંચ વર્ષ દરમિયાન સાંસદોના રિપોર્ટ કાર્ડ સીધા વડાપ્રધાન દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યારે પાંચ વર્ષની અંદર વડાપ્રધાન દ્વારા કયા પ્રકારની કામગીરી થઇ છે. ગુજરાતના કયા સાંસદો છે કે જેણે ગુજરાતમાં સારી કામગીરી કરી છે. તો કયા સાંસદોની કામગીરી નબળી છે તે અંગે ધ્યાન લેવામાં આવશે.
કારણકે વિધાનસભા ચૂંટણીમાં પણ ઘણા ફેરફારો ઉમેદવારોના નામોને લઇને કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાતના ૧૫૬ ધારાસભ્યોમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ત્યારે આ તમામની વચ્ચે જ્યારે સાંસદોના નામની પસંદગી કરવામાં આવશે. કેટલા નવા ચહેરાઓને પ્રાધાન્ય મળશે, કેટલા સાંસદો ઉમેદવાર તરીકે રિપીટ થશે તેનો આધાર તેમના પાંચ વર્ષની કામગીરી પર રહેલો છે. આવતીકાલે દિલ્હી ખાતે યોજાનારી સાંસદોની બેઠકને આ માટે જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.