ગુજરાતના ૬૩ મા સ્થાપના દિન જામનગરમાં રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ, ઇ -ખાતમુહૂર્ત અને ઇ ભૂમિપૂજન કરાયું

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.: મંત્રી ૠષિકેશભાઈ પટેલ

જામનગર,જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ૠષિકેશભાઈ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. મંત્રી ૠષિકેશભાઈ પટેલે વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો અને એ વિકાસયાત્રા પ્રત્યે સમગ્ર દેશને વિશ્ર્વાસ જાગ્યો અને ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકારી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવ્યા એ પણ ગુજરાતનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજને યાદ કરી ૨૦મી સદીમાં દેશની આઝાદી, એક્તા, અખંડીતતા માટે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે ત્યારે ૨૧ મી સદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કારણકે વડાપ્રધાનશ્રીએ દેશની સુરક્ષા તેમજ દેશને ગૌરવ અપાવવા માટે જે કાર્યો કર્યા છે તેનું આપણને ગૌરવ છે.

મંત્રીશ્રીએ ગુજરાતના નિર્માણ અને વિકાસ માટે યોગદાન અને પુરુષાર્થ કરનાર તમામ ગુજરાતીઓને અભિનંદન આપી વિશ્ર્વભરમાં વસેલા ગુજરાતીઓને જ્યાં વસે ગુજરાત, ત્યાં સદાકાળ ગુજરાત કહીને સહર્ષ શુભકામના પાઠવી હતી. રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દેશની આઝાદી માટે અને ગુજરાતને અલગ રાજ્યનો દરરજો અપાવવા માટે સંઘર્ષ કર્યો તેવા વીરોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે દેશમાં મોખરે છે. ગુજરાતના ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં નલ સે જલ યોજના હેઠળ તમામ ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચે તે માટે દિવસ રાત પ્રયાસો કરી રહી છે. જામનગરમાં વિશ્ર્વની સૌથી વિશાળ રિલાયન્સ રીફાઇનરી તેમજ વિશાળ ઓદ્યોગિક વસાહતો આવેલી હોવાથી અનેક લોકોને રોજગારી મળી રહે છે. જામનગરના ક્રિકેટરોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરીને દેશભરમાં જામનગરને નવી ઓળખ અપાવી છે. જામનગરના ઐતિહાસિક સ્થળો જામનગરના રાજવીઓની દેન છે. આપણી સંસ્કૃતિને જીવંત રાખીને ગુજરાતે દેશભરમાં આગવી ઓળખમેળવી છે. આજે જામનગરને કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળી છે તેમજ ગુજરાત ગૌરવદિનની ઉજવણી માટે પધારેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરને વિકાસકાર્યોની ભેટ મળી તેમાં મહત્વના વિકાસ પ્રકલ્પો જોઈએ તો જામનગર જિલ્લામાં રૂ.૯૮ કરોડના ખર્ચે ૪૨૨ કામોનું ઇ- લોકાર્પણ, રૂ.૧૬૨ કરોડથી વધુના ખર્ચે ૧૨૩ કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ.૯૨ કરોડથી વધુના ખર્ચે ૮ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)દ્વારા નિમત રૂ.૫ કરોડ ૩૮ લાખના ખર્ચે વીવીઆઈપી એનેક્ષી બિલ્ડિંગ (સકટ હાઉસ) ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બેડી રેલવે સ્ટેશન પાસે ૨૭૨ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પીજીવીસીએલની નવી ગોકુલનગર સબ ડિવિઝનલ ઓફિસનું રૂ.૪ કરોડથી વધુ રકમના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે.જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજ અને સરકારી ડેન્ટલ કોલેજ ખાતે દેશભરના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે રૂ.૮૮ કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામનું આજે ભૂમીપૂજન કરવામાં આવ્યું છે. હોસ્ટેલનું નિર્માણ થતાં દીકરીઓને રહેવાની સુવિધા મળી રહેશે. ધ્રોલ તાલુકાના ખાખરા, ખારવા અને રોઝીયા ગામે ત્રણ પ્રાથમિક શાળાઓનું રૂ.૧ કરોડ ૩૭લાખના ખર્ચે અને પાણાખાણ વિસ્તારમાં પીપીપી ધોરણે નવી શાળા રૂ.૧કરોડ ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામશે. આરોગ્યલક્ષી સુવિધાઓ જેમાં જાંબુડામાં સીએચસી બિલ્ડિંગનું રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ,મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, દંડક કેતનભાઈ ગોસરાણી, ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી,આમંત્રિત મહેમાનો તેમજ નગરજનો સહભાગી થયા હતા.