લોક્સભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચુંટાયેલા સાંસદની વધુ એક વાર મિકલત અને ગુનાઓની માહિતી સામે આવી છે. એડીઆર વિશ્લેષણમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા ચૂંટણી પરિણામમાં વિજયી થયેલા સાંસદોના કરાયેલા વિશ્લેષણમાં એકથી વધુ વખત ચૂંટાયેલા મોટાભાગના સાંસદોની મિલક્તમાં મોટાપાયે વધારો થયો હોવાનું ફલિત થાય છે.
સાંસદોની સંપત્તિ અને ગુનાની વિગતો તેમણે ઉમેદવારી પત્ર ભરતી વખતે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાંથી વિશ્લેષણ કરવામાં આવતી હોય છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન પ્રચાર સંબંધિત કામગીરીમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. જેની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની હોય છે.
લોક્સભા ચૂંટણી સંપન્ન થતા એડીઆર દ્વારા પરિણામો વિશે કરાયેલા રસપ્રદ વિશ્લેષણમાં જીતેલા સાંસદો પરના ગુના અને સંપત્તિની વિગતો બહાર આવી છે. તે મુજબ ૨૦૧૪માં જીતેલા સાંસદોમાંથી ૨૧ કરોડપતિ હતા, ૨૦૧૯માં ૨૪ અને ૨૦૨૪માં સાંસદ કરોડપતિ છે. એટલે કે ત્રણને બાદ કરતા પ્રજાએ ચૂંટેલા તમામ ૨૩ સાંસદ કરોડપતિ હતા.
ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ કરોડપતિ હોવાની સાથે તેમની સામે ગુનાઓ પણ નોધાયેલ છે. એકથી વધુ વખત ચૂંટાયેલા સાસદોની મિલક્તમાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ મિલક્તનો વધારો પૂનમ માડમની સંપત્તિમાં ૨૪૬ ટકા થઈ છે. વિનોદ ચાવડાની સંપત્તિ ૧૧૨ ટકા,મિતેશ પટેલ ૪૩ ટકા, અમિત શાહની સંપત્તિ ૬૩ ટકા, રાજેશ ચૂડાસમાની સંપત્તિમાં ૨૦૮ ટકા, દેવુસિંહ ચૌહાશની સંપત્તિમાં ૧૬૯ ટકા, જશવંતસિંહ ભાભોરની સંપત્તિમાં ૭૯ ટકા, ભરતસિંહ ડાભીની સંપત્તિમાં ૪૪ ટકા, મનસુખ વસાવાની સંપત્તિમાં ૨૭૩ ટકા, પ્રભુ વસાવાની સંપત્તિમાં ૬૬ ટકા અને હસમુખ પટેલની સંપત્તિમાં ૧૬ ટકા વધારો નોંધાયો છે. જ્યારે નવસારીના સાંસદ સી.આર. પાટીલની સંપત્તિમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે.
વિજયી બનેલા સાંસદો માંથી ૫ પર વિવિધ પ્રકારના ગુના નોંધાયેલા છે. ૨૦૧૪માં આ સંખ્યા ૯ સાંસદની અને ૨૦૧૯માં ૪ સાંસદ ગુના નોંધાયા હતા. જે સાંસદો ૫૨ ગુના નોંધાયેલા છે તેમાં ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ગાંધીનગરના સાંસદ સ્વામી, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા, કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સમાવેશ થાય છે.