ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧-૨ની પરીક્ષામાં તાપી જિલ્લામાં ૧૯ કેન્દ્રો પર ૪૯૦૮ ઉમેદવારો પરીક્ષા આપશે

તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.7મી જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાત વહિવટી સેવા-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- 1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા-2ની પ્રિલિમનરી પરીક્ષા યોજાનારી છે.

આ પરીક્ષાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનિધિઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરો સહિત સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

તદઉપરાંત પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુશ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી તા.7મી જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા-1, ગુજરાત મુલ્કી સેવા 1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા-2ની પ્રિલિમનરી પરીક્ષા યોજાનારી છે. જેમાં તાપી જિલ્લામાં આ માટે કુલ 19 કેન્દ્રો ખાતે પરીક્ષાઓ યોજાનાર છે. જેમાં 205 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કુલ-4908 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ દ્વારા પરિક્ષા સંદર્ભે પ્રેઝનટેશન મારફત જરૂરી માર્ગદર્શન આપતા પરીક્ષાખંડમાં મોબાઈલ, કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ કે અન્ય કોઇપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખી શકાશે નહી એમ તમામને જાણકારી આપી હતી. કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ હોય તેની ચકાસણી કરવા ખાસ સુચના આપી હતી.

ઉપરાંત આયોગના પ્રતિનિધિ, તકેદારી અધિકારી અને ઝોનલ અધિકારીઓ, સ્ટ્રોંગ રૂમ ઇન્ચાર્જ, કંટ્રોલર ઓફ સ્ટ્રોંગ રૂમ, મુખ્ય આરોગ્ય અધિકારી, એસટી ટ્રાન્સપોર્ટેશન, માહિતી ખાતું, પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોને તેઓની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શિકા અંગે અવગત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર.બોરડ, શિક્ષણ નિરિક્ષક ગોવિંદભાઇ ગાંગોળા સહિત સબંધિત ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.