ગુજરાતમાં એક મહિલા પોલીસ કર્મચારી દારૂની તસ્કરીના મામલામાં પકડાઈ છે. આરોપી મહિલા પોલીસ કર્મી ગુજરાત સીઆઈડીમાં તૈનાત હતી. રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસે દારૂની તસ્કરી મામલે એક ગાડીને પકડવાનો પ્રયાસ કર્યો, તો તેમાં સવાર આરોપીઓ અને મહિલા કોન્સ્ટેબલે ડ્યુટી કરી રહેલા પોલીસ કર્મીઓને મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી મહિલા કોન્સ્ટેબલની ઓળખ કચ્છ સીઆઈડી શાખામાં તૈનાત મીતા ચૌધરી તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. ભચાઉના ચોપડવા પુલ પાસે આ ઘટના બની હતી. ચીરઈના બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ એલસીબી ટીમ પર થાર જીપ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઈમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મીતા ચૌધરીનો સમાવેશ થાય છે. ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને મીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂ અંગે ગુનો દાખલ કરાયો છે.
તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસની બાતમી મળી હતી કે, કચ્છના ભચાઉની નજીક એક સફેદ રંગની કારમાં કેટલાક લોકો દારૂની તસ્કરી કરી રહ્યાં છે. આ માહિતી મળ્યા બાદ ભચાઉ પોલીસે હાઈવે પર તપાસ શરૂ કરી છે. આ વચ્ચે ભચાઉના ચોપડવા નજીક એક સફેદ રંગની થાર ગાડી દેખાઈ હતી. પોલીસ જેમ થાર ગાડીની પાસે પહોંચી, તેમ ગાડીના ચાલકે ગાડી દોડાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ પોલીસ કર્મીઓને કચડવાનો પણ પ્રયાસ કર્યો.
પોલીસ કર્મીઓએ કોઈ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન કારચાલક ત્યાંથી થાર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. પરંતું આગળ બીજા પોલીસ કર્મીઓને થાર ગાડીને રોકવામાં સફળતા મળી હતી. પોલીસે જ્યારે ગાડીનુ ચેકિંગ કર્યુ ત્યારે તેમના હોંશ ઉડી ગયા હતા. કારમા દારૂની તસ્કરી કરતા યુવરાજ સિંહની સાથે મહિલા પોલીસ કર્મચારી મીતા ચૌધરી પણ સવાર હતી. પકડાયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ મીતા ચૌધરી પૂર્વીય કચ્છના ગાંધીધામ સીઆઈડી ક્રાઈમમાં તૈનાત છે. થાર કારમાં પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી. તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલની સાથે પકડાયેલા દારૂની તસ્કર યુવરાજ સિંહની સામે ૧૬ થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધોાયેલા છે.