
અમદાવાદ,
દેશમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપના નવા પ્રમુખ કોણ હશે તેની ચર્ચા વચ્ચે બે નવાં નામ રમતાં થયાં છે. જગત પ્રકાશ નડ્ડાનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ ૨૦ જાન્યુઆરીએ પૂરો થાય છે. નડ્ડાના સ્થાને ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરમાંથી કોઈ એકને પ્રમુખ બનાવાશે એવી વાતો ચાલી રહી છે. ભાજપનાં કેટલાંક સૂત્રોના મતે, જેપી નડ્ડાનો કાર્યકાળ વધારીને તેમને ફરી પ્રમુખપદની જવાબદારી સોંપાઈ શકે છે. આ વર્ષે ૯ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. ૨૦૨૪માં લોક્સભા ચૂંટણી છે તેથી ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના બદલે નડ્ડાને રીપીટ કરી દેશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ દિલ્હીમાં થવાની છે. આ બેઠકમાં ભાજપ આગામી પ્રમુખના નામની જાહેરાત કરશે. ભાજપ કઈ પણ ભોગે મોદીને દિલ્હીની ગાદી પર ફરી બેસાડવા માટે મક્કમ છે. આ જવાબદારી ચૂંટણીના ચાણક્ય અમિત શાહે પોતાના ખભે ઉપાડી છે.
એવી પણ ચર્ચા છે કે, ભાજપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કમાન સોંપવાનું વિચારી રહ્યો છે. આ પહેલાં પ્રધાનને મોદી દ્વારા અનેક મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે તેથી પ્રધાન પર મોદીને ભરોસો વધારે છે. ભાજપના પ્રમુખપદે કોણ આવશે એ દસ દિવસમાં નક્કી થઈ જશે પણ લોક્સભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપના પ્રચારની જવાબદારી અમિત શાહ નિભાવશે એ અત્યારથી નક્કી થઈ ગયું છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલાં યોજાનારી ૯ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની વ્યૂહરચના શહા ઘડશે.
શાહે આ કામ શરૂ પણ કરીને સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગની વ્યૂહરચના અમલમાં મૂકી દીધો હોવાના અહેવાલ છે. શાહની યોજના મુજબ, દરેક લોક્સભા મતવિસ્તાર માટે એક ટ્વિટર એકાઉન્ટ બનાવીને મતવિસ્તારમાંથી ૫૦,૦૦૦ ફોલોઅર્સ કરાશે. ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે, ભાજપની ટીમો કોલેજીયન છોકરીઓ, સ્વસહાય જૂથો, ધામક નેતાઓનો સંપર્ક કરશે. આ ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી કેન્દ્રની મોટી ૧૨ યોજનાઓના લાભાર્થીઓને પણ જોડવામાં આવશે. આ ઉપરાંત દરેક સંસદીય મતવિસ્તારમાં એક સોશિયલ મીડિયા ટીમ, એક લોક્સભા સંયોજક, સોશિયલ મીડિયા કો-ઓડનેટર અને એક ટીમ લીડર તૈનાત કરવામાં આવશે. શાહનું લક્ષ્ય આ વખતે ભાજપને ૪૦૦થી વધારે બેઠકો જીતાડવાનું છે. ગુજરાતમાંથી પણ ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાનો ટાર્ગેટ અપાયો છે. ગત લોક્સભામાં ભાજપે ૨૬ બેઠકો જીતી હોવાથી પાટીલ પર આ બેઠકો જીતાડવાનું પ્રેશર છે.
ભાજપે લોક્સભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપ ૧૬૦ એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં છેલ્લી ચૂંટણીમાં હાર્યો હતો. ભાજપે આ વખતે લોક્સભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે. ભાજપ હાલની ૩૦૦ પ્લાસ બેઠકો જાળવીને આ ૧૬૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો જીતે તો ૪૦૦નું ટાર્ગેટ પાર પાડી શકે છે તેથી અત્યારથી જ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગુજરાત ભાજપે પણ ૨૬ બેઠકો જીતવા માટે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. દરેક મતવિસ્તાર માટે સોશિયલ મીડિયા ટીમ બનાવીને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની મદદથી પ્રચાર કરાશે. લોક્સભા ચૂંટણીમાં પણ નવા ચહેરા આવશે. આવતી લોક્સભા ચૂંટણીમાં ગુજરાત ૨૬ પૈકી ૭થી ૮ સાંસદોને કાપી ભાજપ નવા ઉમેદવારોને ઉતારી શકે છે. આ ચહેરાઓમાં કેટલાંક વર્તમાન ધારાસભ્યો પણ હોઇ શકે. જે ધારાસભ્યોએ સારી એવી લીડથી જીત મેળવી છે તેમના નામ પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ હતી.