ગાંધીનગર: ભૂપત ભાયાણી પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો પડી શકે છે. AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
ભાજપ એક પછી એક આમ આદમી પાર્ટીને ઝટકો આપી રહ્યુ છે. આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા ચૂંટણી લડેલા ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે ટુંક સમયમાં ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીના વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા આપના વધુ બે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની માહિતી ચર્ચાઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ જાણે આમ આદમી પાર્ટીનો સફાયો કરવા જઇ રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કુલ પાંચ ધારાસભ્યો હતા.જેમાંથી એક ધારાસભ્યે રાજીનામું આપી દીધુ છે. હવે માત્ર ચાર AAP ધારાસભ્ય રહ્યા છે.
ચાર ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી સૂત્રોની માહિતી છે. આ એ જ બે ધારાસભ્યો હોવાની ચર્ચા છે કે જે પહેલા ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે ચૂંટણીમાં ટિકિટ પણ માગી હતી.જો કે તેમને ટિકિટ મળી ન હતી.જો કે બાદમાં આપમાં જોડાયા બાદ પણ તે ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા છે. અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવતા જોવા મળતા હતા, જો કે આ વખતે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે.
જો કે બીજી તરફ AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામાની ચર્ચાને ફગાવી દીધી છે. TV9 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નથી. આ અટકળો પાયા વિહોણી છે.