
નોટબંધી બાદ અમદાવાદ સહિત દેશભરના મોટા બિલ્ડરો દ્વારા કરોડો રૂપિયાનું કાળું નાણું જુદી-જુદી પ્રોપર્ટી, જમીનોમાં રોકાયું હતું. પોતાના મળતીયા અને સ્વજનોના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ ખરીદવામાં આવી હતી. આ તમામ વિગતો ઇન્કમટેક્સના અધિકારીઓના ધ્યાનમાં આવી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા બેનામી પ્રોપર્ટી એક્ટનો અમલ શરૂ કરી દેવાયો હતો. આવી બેનામી પ્રોપર્ટી શોધવા માટે ગુજરાત ઇન્કમટેક્સના સિનિયર અધિકારીની આગેવાની હેઠળ 5 અધિકારીઓની ખાસ ટીમની રચના કરાઇ હતી. આ અધિકારીઓએ ગુજરાતમાંથી અબજો રૂપિયાની 500થી વધુ બેનામી પ્રોપર્ટીઓ શોધી કાઢી છે. આગામી દિવસોમાં તેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
વર્ષોથી સરકારી અધિકારીઓ તેમના કાળા નાણાંનું રોકાણ મિલકતોમાં કરતા હતા. જ્યારે નોટબંધીનો અમલ શરૂ થયો ત્યારે મોટાભાગના અધિકારીઓ ઉપરાંત બિલ્ડરો તબીબો અને ઇન્વેસ્ટરોએ પોતાની પાસેનું કાળું નાણું મિલકતોમાં રોકી દીધું હતું. જે રીતે નોટબંધી બાદ રોકડમાં વ્યવહારો થવા લાગ્યા અને કરોડોની પ્રોપર્ટી જમીનો અને કન્સ્ટ્રક્શન સાઇટો ખરીદવા લાગી અને હવાલા પડવા લાગ્યા તે જોતા સરકાર અને સીબીડીટી દ્વારા બેનામી પ્રોપર્ટી એક્ટનો અમલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી.