
નવીદિલ્હી,
ભાજપે લોક્સભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપ ૧૬૦ એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં છેલ્લી ચૂંટણીમાં હાર્યો હતો. ભાજપે આ વખતે લોક્સભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે. ભાજપ હાલની ૩૦૦ પ્લાસ બેઠકો જાળવીને આ ૧૬૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો જીતે તો ૪૦૦નું ટાર્ગેટપાર પાડી શકે છે તેથી અત્યારથી જ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગુજરાત ભાજપે પણ ૨૬ બેઠકો જીતવા માટે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. દરેક મતવિસ્તાર માટે સોશિયલ મીડિયા ટીમ બનાવીને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની મદદથી પ્રચાર કરાશે. લોક્સભા ચૂંટણીમાં પણ નવા ચહેરા આવશે. આવતી લોક્સભા ચૂંટણીમાં ગુજરાત ૨૬ પૈકી ૭થી ૮ સાંસદોને કાપી ભાજપ નવા ઉમેદવારોને ઉતારી શકે છે. આ ચહેરાઓમાં કેટલાંક વર્તમાન ધારાસભ્યો પણ હોઇ શકે. જે ધારાસભ્યોએ સારી એવી લીડથી જીત મેળવી છે તેમના નામ પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ હતી.
ભાજપ એક ચૂંટણી પૂરી થાય એટલે તરત જ તે પછી આવતી બીજી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય છે. હમણાં જ ૧૫૬ બેઠકો સાથે વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ બનાવ્યો અને પાર્ટીએ મનોમંથન શરૂ કરી દીધું છે. જો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો અને સમીકરણોની આ સમીક્ષા લોક્સભા ચૂંટણીને ધ્યાન રાખીને કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં એવી પણ ચર્ચા છે કે, વિધાનસભા ચૂંટણીમાં પરિવારના સભ્ય માટે ટિકિટ, પસંદગીના ઉમેદવાર માટે આગ્રહ, ભાજપે ઉતારેલા ઉમેદવારને હરાવવા પ્રયત્નો, પ્રચારમાં ન જવુ એમ એક રીતે બળવાખોરી કરનારા પાંચ સાંસદો સામે હાઈકમાન્ડ સખત નારાજ છે.
સાંસદોને એમ કે નારાજગી દેખાડીશું તો ભાજપ ઝૂકશે પણ હવે ભવ્ય જીત બાદ ભાજપ પણ જોશમાં છે. પાંચેય સાંસદોનું ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન ચાલું છે. શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને રાજ્યસભાના રમીલાબહેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી સ્થિત કાર્યલાયે બોલાવ્યા તો ખરા પણ કલાકો સુધી બહાર બેસાડીને મુલાકાત આપ્યા વગર પાછા જતા રહેવા કહ્યું. બાદમાં ફરીથી સમય અપાયો ત્યારે છેલ્લી ઘડીએ શિડ્યુલ રદ્દ કરી દેવાયો હતો. આમ, આ પાંચેય સાંસદો ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન કરી ચૂક્યા છે !
ભાજપે પહેલાં ૧૪૪ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરેલું પણ હવે આ બેઠકો વધારીને ૧૬૦ કરવામાં આવી છે. ભાજપનાં સૂત્રોના મતે, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના ટોચના નેતાઓને આ બેઠકો જીતાડવાની જવાબદારી અત્યારથી સોંપી દેવામાં આવશે. ભાજપે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં ૪૩૬ બેઠકો પર ચૂંટણી લડીને ૩૦૩ પર જીત મેળવી હતી.બન્ને બેઠકોમાં લોક્સભા ચૂંટણીને ધ્યાને રાખીને ચર્ચા કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ પ્રોત્સાહક છે તેથી તેમાં કોઇ ચિંતાનો વિષય નથી. પરંતુ તેના પરિણામોની થયેલી સમીક્ષા હવે આગામી લોક્સભાની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને કરાઇ છે. બિહારમાં નીતિશ કુમારે લોક્સભાની ચૂંટણીની તૈયારી શરૂ કરીને જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી શરૂ કરાવી છે. બિહારના તમામ ૩૮ જિલ્લામાં એક્સાથે જ્ઞાાતિ આધારિ ત વસતી ગણતરી શરૂ થઇ છે. નીતીશ કુમારે વૈશાલી જિલ્લાના હરસેર ગામે દલિત પરિવારના ઘરે જઈને જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની શરૂઆત કરાવી હતી. પહેલા જ દિવસે પટણામાં આશરે બે લાખ કર્મચારીઓએ ૧૪ લાખથી વધુ ઘરે જઈને જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી છે એ જોતાં એક મહિનામાં જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી પૂરી થઈ જશે.