
હાલ ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માઝા મૂકી છે. આ બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુનાં મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. વરસાદમાં ચોતરફ પાણી, પૂર, બિસ્માર રોડ, ભૂવા બાદ હવે રોગચાળો વકરતાં જાણે કે તંત્ર પણ ‘બીમાર’ પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
માત્ર સરકારી હોસ્પિટલોનો જ આંકડો
ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઊલટી, ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરની સરકારી હોસ્પિટલો પૂરતો જ સીમિત છે. જો એમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનાંમાં નોંધાયેલા કેસના આંકડા ઉમેરવામાં આવે તો આ આંકડો ચિંતા ઊપજાવે એવો હોઈ શકે છે.
રાજકોટમાં ચાલુ સપ્તાહે વધુ 29 ડેન્ગ્યૂના કેસો સામે આવતાં એક માસમાં કુલ 100 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત ટાઇફોઇડ, તાવના 5 તેમજ કમળાના 2 દર્દી સામે આવ્યા છે. તો વિવિધ રોગોના અગાઉના 1968 સામે ચાલુ સપ્તાહે 2376 કેસ નોંધાયા છે, જેમાં શરદી- ઉધરસના સૌથી વધુ 1239 દર્દી નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

આ સાથે રોગચાળાને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. 56 મલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલન્ટિયર્સ દ્વારા તા. 09 સપ્ટેમ્બરથી તા. 15 સપ્ટેમ્બર વચ્ચે 94,357 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 5,059 ઘરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ખાસ કરીને ડેન્ગ્યૂ, મલેરિયાના દર્દીઓ સામે આવી રહ્યા છે. હાલ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા, કોલેરા સહિતના કેસોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સિઝનમાં સૌથી વઘુ સપ્ટેમ્બરમાં છેલ્લા 14 દિવસમાં 68 કેસ ડેન્ગ્યૂના, 05 કેસ ચિકનગુનિયાના, 22 કેસ મલેરિયાના અને 03 કેસ કોલેરાના નોંધાયા છે, જ્યારે ઝાડા-ઊલટીના હજારો કેસ સામે આવી રહ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યૂ, મલેરિયા, તાવના દર્દીઓથી ઊભરાઈ છે. શહેરમાં ડેન્ગ્યૂ, મલેરિયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 17 દિવસમાં ડેન્ગ્યૂ, તાવ અને ઝાડા-ઊલટીના કારણે 9 મહિનાના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધ સહિત 20 લોકો મોતને ભેટ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગિશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની 750થી વધુની OPD હોય છે, જેમાં રોજના 10થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે. છેલ્લા 15 દિવસમાં 29 દર્દીને ડેન્ગ્યૂ, 26 દર્દીને મલેરિયા થયો હોવાનું સામે આવ્યું છે.