- 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ
- સૌથી વધુ ખંભાતમાં 5 ઈંચ વરસાદ નોંધાયો
- ભારે વરસાદને પગલે નદીઓમાં આવ્યા ઘોડાપૂર
- વરસાદને કારણે મોડાસા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગઈકાલ રાતથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ રાતથી જ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, તાપી, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદ કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે રસનાળિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદને કારણે મોડાસા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે.
24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખંભાતમાં 5 ઈંચ, અમદાવાદમાં 4.5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ, જલાલપોરમાં સવા 4 ઈંચ, મોડાસા અને સિહોરમાં 3.5 ઈંચ વરસાદ, આણંદમાં 3.5 ઈંચ, તારાપુરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બોટાદ અને ધંધુકામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સંખેડા અને પેટલાદમાં પણ 3-3 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. જ્યારે વઢવાણમાં 3 ઈંચ, ઉમરાળામાં પોણા 3 ઈંચ, બરવાળા અને મહેમદાવાદમાં 2.5 ઈંચ, મહેસાણા અને મેઘરજમાં સવા 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મોડાસા, મેઘરજ, ભિલોડા અને માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે મોડાસા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે. આનંદપુરા, કંપાના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરમાં મગફળી, સોયાબીન, મરચાં, અને ફુલાવરના પાક પાણીમાં ગરકાવ થયો છે.
મોડાસામાં એક રાતમાં ત્રણ ઇંચ વરસાદ
મોડાસા શહેરમાં એક રાતમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી પડતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરમાં 2 દિવસના વિરામ બાદ બુધવારે મોડી રાત્રે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઇને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘુટણસમા પાણી ભરાયા છે. શહેરમાં આવેલા મારૂતિ કોમ્પ્લેક્ષની 9 જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે વેપારીઓને માલનું નુકસાન થયું છે. શહેરીજનોએ પાલિકા તંત્ર દ્વારા વરસાદ પહેલા ગટર લાઇનો સાફ ન કરતાં શહેરમાં પાણી ભરાયા અંગે રોષ ઠાલવ્યો છે.
પાટણા ગામની નદીમાં આવ્યું ઘોડાપૂર
ગઢડા તાલુકાના પાટણા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદ પડતાં રસનાળિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.
ચિમેર ધોધ વહેતો થયો
તાપીમાં વરસાદને કારણે જંગલનું સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું ઉઠ્યું છે. સોનગઢના જંગલ વિસ્તારોના ઝરણા અને ધોધ થયા જીવંત થયા છે. સોનગઢનો ચીમેર ગામે આવેલ ચિમેર ધોધ ફરી જીવંત થયો છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ચિમેર ધોધનો વીડિયો શેર કરાયો છે. ગાઢ જંગલની વચ્ચે આવેલો ચિમેર ધોધ ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે
ગોંડલ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉમવાડા અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ પડતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આણંદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા
આણંદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા જિલ્લા પોલીસ વડાની કચેરી બેટમાં ફેરવાઈ છે. શહેરના ગણેશ ચોકડી, ચોકસી બજાર, ગામડી વડ, અમૂલ ડેરી વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત આણંદના વિદ્યાનગર અને કરમસદમાં પણ વરસાદી પાણી ભરાયા છે.