ગુજરાતમાં વધુ ૫ યુવાનોના હૃદય બેસી ગયા, જીવલેણ હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટનો સિલસિલો જારી

યુવાનોના અત્યંત ચિંતાજનક રીતે સાવ અચાનક કે જેમાં બચાવવા માટે, સારવાર માટે થોડો સમય પણ મળતો નથી તેવા જીવલેણ હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટનો સિલસિલો આજે જારી રહ્યો છે. તબીબોએ યુવાનોને માર્ગદર્શન આપવા પરિસંવાદ યોજ્યો ત્યારે આજે રાજકોટમાં એક 22 વર્ષના નવયુવાન ડોક્ટરને ઘરે એટેક આવતા તુરંત જ મૃત્યુ નીપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે તો જામનગરમાં બજારમાં ગયેલા યુવાનનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર 22 વર્ષીય ડો. અવિનાશ વૈષ્ણવ (રહે. મોરબીરોડ, ધારા એવન્યુ, રાજકોટ) મેડીકલ ઓફિસર તરીકે રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ઉપરાંત શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં તેની ઈન્ટર્નશીપ પણ ચાલુ હતી. હોસ્પિટલમાં તેને મોટાભાગે નાઈટ ડ્યુટી રહેતી હતી જે અન્વયે ગઈકાલે તે બપોરના સમયે ઘરે સુતો હતો અને મને ઉઠાડતા નહીં, સુવા દેજો તે મતલબનું કહીને તે સુઈ ગયા બાદ સાંજ સુધી નહીં ઉઠતા સાંજે સાતેક વાગ્યે તેમના પિતા ગોરધનભાઈ તેમને ઉઠાડવા જતા શરીર હલનચલન કરતું ન્હોતું. આથી યુવાનના ફરજના સ્થળ ગોકુલ હોસ્પિટલે લઈ જવાયેલ જ્યાં મૃત્યુ પામેલ જાહેર કરાયેલ હતો. હોસ્પિટલના ડો.સનત ચાર્યાએ જણાવ્યું કે ડો. અવિનાશને જ્યારે હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે જ શરીર ઠંડુ પડી ગયું હતું અને અગાઉ જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમણે કદિ હૃદયમાં દુખાવા જેવી ફરિયાદ કરી નથી કે અન્ય કોઈ રોગ હોવાનું પણ જણાવાયું નથી. પોલીસની તપાસમાં હાર્ટ એટેકથી મૃત્યુનું તારણ નીકળ્યું છે.

બીજા બનાવમાં જામનગરમાં રંગમતી નદીના પટમાં ભરાતી ગુજરી બજારમાં કેશવજી દેવરાજભાઈ મઘોડિયા (ઉ.44) નામના યુવાન ખરીદી અર્થે ગયા હતા. સાંજે આશરે પોણા ચાર વાગ્યાના અરસામાં બજારમાં તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો અને બેભાન થઈ જતા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં તેને મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક જામનગર તાલુકાના આમુરા ગામના રહેવાસી હોવાનું જણાવાયું છે. 

આ ઉપરાંત આજે સુરતમાં પણ 3ના અચાનક મૃત્યુ નીપજ્યા હતા. જેમાં મૂળ જુનાગઢના વિસાવદરમાં કાલાસરી ગામના વતની અને હાલ સરથાણા સુરતમાં રહેતા 37 વર્ષીય કાજલબેન પિયુષભાઈ ડોબરીયા ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા મૃતયુ પામેલ જાહેર કરાયા હતા. જ્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય શ્રીનિવાસ અનંત રામલુ ગઈકાલે રાત્રે ઘરે જમતા હતા તે વખતે અચાનક બેભાન થઈ જતા 108માં લઈ જવાતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. ત્રીજા બનાવમાં સુરતના લિંબાયતમાં રામેશ્વર નગરમાં રહેતા 47 વર્ષના દિપુભાઈ ભવાની સોની ગઈકાલે સાંજે તબિયત બગડતા મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટના તબીબોએ જણાવ્યું કે ખાસ કરીને યુવાનોને જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે સારવાર શરુ કરવાનો સમય પણ રહેતો નથી તેવું જોવા મળ્યું છે.

યુવાનોમાં તત્કાલ મૃત્યુ નીપજાવતા  ગંભીર હાર્ટ એટેકના બનાવો અંગે તબીબોએ સંવેદના સાથે યુવાનોને કમસેકમ વાહન જેટલું તો શરીરનું ધ્યાન રાખવા અપીલ કરી છે

 વાહન અચાનક બંધ ન પડે તે માટે સર્વિસ કરાવીએ છીએ, ઓઈલ બદલાવીએ છીએ તો શરીરનું પ્રિવેન્ટીવ ચેકઅપ, સર્વિસ પણ કરાવવું જોઈએ.

 વાહનનો જેમ વિમો ઉતારાય છે તેમ હેલ્થ ઈન્સુયરન્સમાં પણ લક્ષ્ય આપવું જોઈએ. 

 પેટ્રોલના વાહનમાં ડીઝલ પૂરતા નથી,બગડી જાય તેની ખબર હોય છે તો શરીરમાં જે જંકફૂડ, ફાસ્ટફૂડ, તૈલી-વાસી ખોરાક અનુકૂળ નથી તે ખોરાક ન નાંખવો જોઈએ. 

 વાહન બંધ રહે તો બગડે અને વધુ પડતું ચાલે તો પણ હીટ પકડે. શરીરને સાવ બેઠાડું નહીં રાખવા સાથે અતિ શ્રમ પણ ટાળવો જોઈએ.