ગુજરાતમાં વધુ ત્રણ હાર્ટ એટેકની ઘટના, બેના મોત: એક સવાર હેઠળ

સુરેન્દ્રનગર, નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ ત્રણ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર, પાલનપુર અને વલસાડથી હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. જયારે એકને બચાવી લેવાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના તાલુકાના સુદામડા ગામે હાર્ટ એટેક આવવાનો બનાવ બન્યો છે. ૨૫ વર્ષીય યુવાન કલ્પેશ ચાવડાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. મૃતક કલ્પેશ સુદામડા ગામના રોડ પર દોડની પ્રેક્ટિસ કરતો હતો ત્યારે અચાનક જ દોડતા દોડતા ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યુ હોવાનું જણાવ્યું હતું.

પાલનપુર તાલુકાના ધાણધા ગામના ૩૦ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે ખેમાભાઈ સેભરા નામનો યુવક ઘરેથી કામ અર્થે નીકળ્યો હતો અને ગામમાં ડેરી આગળ ઢળી પડ્યો હતો. તો સ્થાનીકોએ તાત્ત્લિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આ યુવાન હજુ તો ઘરેથી હજુ તો કામ ધંધે જવા નીકડ્યો અને યુવકને માત્ર ૫૦૦ મીટરની દુરી પર એટેક આવ્યો હતો. યુવાનનું અકાળે મોત નિપજતા પરિવારમાં આંક્રદનો માહોલ છવાયો હતો.

વલસાડ જિલ્લામાં એસટી બસના કંડકટરને હાર્ટ એટેક આવતા મોત થયું છે. મોટી પલસાણ જતી બસમાં જ આ ઘટના બની હતી. ચાલુ બસમાં કંડકટરની તબિયત અચાનક લથડી ગઈ હતી જે બાદ ૧૦૮ એમ્બ્યુલંસને જાણ કરવામાં આવી. ત્યારે કંડક્ટરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ કપરાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ વધુ સારવાર માટે ધરમપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.