ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો

નવીદિલ્હી, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. એક અહેવાલ મુજબ, મંગળવારે નડ્ડા અને અન્ય ત્રણ પક્ષના ઉમેદવારોને ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ગયા ગુરુવારે ભાજપના ચારેય ઉમેદવારો જેપી નડ્ડા, જસવંત સિંહ પરમાર, મયંક નાયક અને હીરાના વેપારી ગોવિંદ ધોળકિયાએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે. સત્તાધારી ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અન્ય કોઈ પક્ષે ઉમેદવારો ઉભા રાખ્યા ન હોવાથી ભાજપના આ ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે તેવી ધારણા હતી.

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર ખાલી બેઠકો માટે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું ન હોવાથી, રિટનગ ઓફિસર રીટા મહેતાએ જેપી નડ્ડા સહિત ભાજપના ચારેય ઉમેદવારોને સંસદના ઉપલા ગૃહમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જેપી નડ્ડા ઉપરાંત હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, ભાજપના નેતાઓ જસવંતસિંહ પરમાર અને મયંક નાયક પણ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત વખતે જેપી નડ્ડા હિમાચલ પ્રદેશથી રાજ્યસભા પહોંચ્યા હતા. ૬૮ સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ભાજપ પાસે માત્ર ૨૫ ધારાસભ્યો છે. હિમાચલમાં કોંગ્રેસે ૪૦ ધારાસભ્યો સાથે સરકાર બનાવી છે. હિમાચલમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ છે. હિમાચલ પ્રદેશની એકમાત્ર રાજ્યસભા બેઠક ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ૨ એપ્રિલે છ વર્ષની મુદત પૂરી થવાને કારણે ખાલી પડી છે. કોંગ્રેસે હિમાચલમાંથી અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે.