ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જશે, રાતના તાપમાનમાં પણ વધારો થશે

અમદાવાદ, ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો. હવે ફાગણી પુનમ બાદ તાપમાનમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. અને હવે પાંચ દિવસમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જશે. તેમજ રાતના તાપમાનમાં પણ વધારો થશે. આમ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. જોકે હાલ ઘણા શહેરોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો છે.

ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. મહાનગરોમાં બપોરના ટાણે ગરમીને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અમદાવાદમાં પણ આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. દિવસે અંગ દઝાડતી ગરમી પડશે તો રાત્રિના લોકોને ગરમી અકળાશે. બનાસકાંઠા અને આણંદમાં બે દિવસ વોર્મ નાઇટની સંભાવના છે. ગુજરાતમાં પાંચ દિવસ ૪૦ ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. એટલે કે, પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. અને મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જશે. બનાસકાંઠા, આણંદ અને અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં ચારથી પાંચ ડિગ્રી વધુ નોંધાયું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યાં ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૪.૩ ડિગ્રી સેલ્સિયસ વધીને ૨૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા અને આણંદમાં વોર્મ નાઇટ રહેવાની શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન કચ્છ અને ખંભાતના અખાત પર ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. અરબ સાગર તરફથી આવતા પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે. ૧૫થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ફોલિંગ ટેન્ડન્સીમાં છે. એટલે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આગામી ૪૮ કલાક બાદ ગુજરાતના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સુધી ઘટી શકે છે. તેને કારણે ગરમીથી થોડા અંશે રાહત મળી શકે છે. પરંતુ આ રાહત રહેશે નહીં. કારણ કે, આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતાઓ છે.