અમદાવાદ,
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. આટલી મોટી ગંભીર ઘટનામાં સરકાર ફરી એકવાર સંવેદનશીલતા, સહાય, તપાસ સમિતિ, ક્સુરવારોને નહીં છોડાય એવું રટણ કરી રહી છે. ચૂંટણી માથા પર છે એટલે હાલ વધુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે પરંતુ સમય જતા અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ કાગળોમાં રહી જશે. સાચા ક્સૂરવારો હાથમાં નહીં આવે. સુરતના તક્ષશિલાથી લઇને બોટાદ- બરવાળાના લઠ્ઠાકાંડ સહિતની ઘટનાઓમાં સરકારે આ જ રટણ કર્યું, સમિતિ બનાવી પણ મોટાં માથાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.અત્યાર સુધીની ઘટનાઓમાં સરકારે સમિતિઓ અને તપાસપંચ નીમ્યા છે. અનેકનાં વર્ષો સુધી રિપોર્ટ નથી આવ્યા જ્યારે જે સમિતિએ રિપોર્ટ સુપરત કર્યા છે તેમાં સૂચવાયેલાં પગલાં લેવાની દરકાર સરકાર લેતી નથી પરિણામે આવા રિપોર્ટ સચિવાલયમાં ફાઇલોના પોટલામાં કેદ થઈ જાય છે.
ગુજરાતમાં બનેલી ૫ મોટી દુર્ઘટનાઓમાં કમિટી રચાઈ હતી જેની સ્થિતિ જોઇએ તો ..ઓગસ્ટ ૨૦૨૦માં અમદાવાદની કોવિડ ડેડીકેટેડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ૮ લોકોનાં મોત થયાં હતાં. નવેમ્બરમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગતા ૬ દર્દીનાં મોત થયાં હતાં. સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી.એ.મહેતાની અયક્ષતામાં તપાસ પંચ નીમ્યુ હતું. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સહિતના આરોપી જામીન પર મુક્ત છે. જયારે મે ૨૦૧૯માં સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા ૨૨ વિદ્યાર્થીના મોત થયા હતા. સરકારે કોઈને છોડાશે નહીં એવી ખાતરી આપી હતી.પરંતુુ હાલ ધરપકડ કરાયેલા ૧૪ પૈકી ૧૩ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. માત્ર કોચિંગ ક્લાસ સંચાલક જેલમાં છે. સસ્પેન્ડેડ ૬ અધિકારી- કર્મચારી નોકરી પર પરત ફર્યા છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલયુક્ત દારૂ પીવાથી ૫૫ના મોત થયા હતા. પોલીસે કંપનીના ડાયરેક્ટરોના નામ એફઆઇઆરમાં દાખલ કર્યા ન હતા. કેમિકલ કંપનીના મુખ્ય સંચાલક સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો સામે કોઇ પગલાં નહીં. સાઇડ પોસ્ટિંગ પરના આઇપીએસને તાજેતરમાં રેગ્યુલર પોસ્ટિંગ આપી દેવાયું.
આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૨૦માં અમદાવાદના યુનિવસટી વિસ્તારમાં એસ્પાયર-૨ નામની બિલ્ડિંગની લિટ તૂટી પડતા ૭ શ્રમજીવીઓના મૃત્યુ થયા હતા.પરંતુ પોલીસ તપાસમાં બિલ્ડરોને બચાવવાનો પ્રયાસ થયો છે. ઘટનાના દોઢ મહિના બાદ પણ પોલીસે બિલ્ડરો સામે કોઇ કાર્યવાહી કરી નથી કે ગુનો દાખલ કર્યો નથી. જયારે નવેમ્બર ૨૦૨૦માં અમદાવાદના પીરાણામાં સાહિલ કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટને કારણે આગ લાગતા ૧૨ શ્રમિકના મૃત્યુ થયાં હતાં. મંજૂરી વિના કેમિકલ સ્ટોરેજ થતું હોવાનું ખૂલવા છતાં કોર્પોરેશન તથા જીપીસીબીની બેજવાબદારી સામે આવી છતાં અધિકારીઓ સામે કોઇ પગલાં નહીં.
કોઇપણ ઘટના બને ત્યારે જનઆક્રોશને યાને લઇને સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટી કે પંચની રચના કરી દેવામાં આવે છે. તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીના નિવેદનો કરવામાં આવે છે. પરંતુ સમિતિ કે પંચ દ્વારા થતી તપાસ એટલી ધીમી હોય છે કે જ્યારે તેનો રિપોર્ટ આવે ત્યારે મામલો ઠંડો પડી જતો હોય છે. જેથી સરકાર રિપોર્ટના આધારે કોઇ પગલાં લેતી નથી. વર્ષ ૨૦૧૭માં રાજ્યમાં મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓની તપાસ માટે તપાસ પંચ રચાયું હતું. આ પંચની મુદ્દત હજુ વધારી દેવાઈ છે.