ગુજરાતમાં સીઝનના ૪૩ ટકા વરસાદમાં ૨૦૦ જળાશયો ૭૦ ટકા ભરાયા

  • ૩૭ જળાશય ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

ગાંધીનગર, રાજ્યમાં સીઝનનો ૪૩ ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આટલા વરસાદમાં રાજ્યના કુલ ૨૦૮માંથી ૨૦૦ જળાશયો ૭૦ ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે ૩૭ જળાશય ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ૧૩ જળાશય ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના ૧૫ જળાશય ૭૦ થી ૮૦ ટકા સુધી ભરાયા છે. સરદાર સરોવર ૫૮.૦૮ ટકા ભરાયો છે.

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૩.૭૭ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૩.૧૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૪૫.૨૪ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૨.૨૬ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૩૦.૧૬ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ૧૬૪ મિ.મી. અને રાજકોટના કોટડાસાંગાણીમાં ૧૫૦ મિ.મી. એટલે કે ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય પાંચ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ, બે તાલુકાઓમાં ચાર ઇંચ, દસ તાલુકાઓમાં ત્રણ ઇંચ, ૨૮ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૯ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ૧૪૭ મિ.મી., કચ્છના અબડાસામાં ૧૩૨ મિ.મી., બનાસકાંઠાના સુઈગામમાં ૧૩૦ મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૧૨૮ મિ.મી., રાજકોટના ઉપલેટામાં ૧૨૬ મિ.મી., સાબરકાંઠાના તલોદમાં ૧૧૯ મિ.મી., અને જુનાગઢના વંથલીમાં ૧૦૫ મિ.મી., મળી કુલ પાંચ તાલુકાઓમાં સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલો છે. જયારે સાબરકાંઠા તલોદ ૧૧૯ મિ.મી., અને જુનાગઢજિલ્લાના વંથલી તાલુકામાં ૧૦૫ મિ.મી., એમ સરેરાશ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય કુલ ૧૦ તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં ૯૭ મિ.મી., રાજકોટના ગોંડલમાં અને બોટાદના બરવાળામાં ૮૯ મિ.મી., સુરેન્દ્રનગરના ચોટીલામાં ૮૮ મિ.મી., બોટાદના ગઢડામાં ૮૩ મિ.મી., જૂનાગઢના કેશોદ અને બનાસકાંઠાના વડગામમાં ૮૨ મિ.મી., કચ્છના રાપરમાં, ખેડાના નડિયાદમાં અને મહેસાણાના કડીમાં ૭૬ મિ.મી., વરસાદ નોંધાયો છે.

૨૮ તાલુકાઓમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ૭૪ મિ.મી., વલસાડના વાપીમાં ૭૩ મિ.મી., જુનાગઢના માંગરોળ, રાજકોટમાં અને બનાસકાંઠાના દાંતીવાડામાં ૭૨ મિ.મી., વલસાડના કપરાડા અને અરવલ્લીના ધાનસુરામાં ૭૦ મિ.મી., પાટણના સિદ્ધપુરમાં ૬૯ મિ.મી., રાધનપુરમાં ૬૬ મિ.મી., રાજકોટના જામકંડોરણા, ધોરાજી અને અરવલ્લીના બાયડમાં ૬૪ મિ.મી., રાજકોટના જેતપુરમાં ૬૩ મિ.મી., જૂનાગઢના માળીયા હાટીનામાં ૬૨ મિ.મી., જુનાગઢમાં ૫૮ મિ.મી., જુનાગઢ શહેરમાં ૫૮ મિ.મી., જુનાગઢના મેંદરડામાં ૫૭ મિ.મી., આણંદના ખંભાતમાં અને મહેસાણાના સતલાસણામાં ૫૬ મિ.મી., દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અને મોરબીમાં ૫૫ મિ.મી., ખેડાના કપડવંજમાં ૫૪ મિ.મી., મહિસાગરના વીરપુરમાં ૫૩ મિ.મી., રાજકોટના જસદણમાં અને બનાસકાંઠાના પાલનપુરમાં ૫૨ મિ.મી., આણંદના પેટલાદમાં ૫૧ મિ.મી., અને વલસાડના ધરમપુર અને બનાસકાંઠાના દાંતામાં ૫૦ મિ.મી., એમ કુલ ૨૮ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય ૫૯ તાલુકાઓમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.