
ગુજરાતમાં રહેતી માતા અને NRI પિતા વચ્ચે પુત્રીને કસ્ટડીને લઈને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેસની સુનાવણીમાં NRI અરજદારે ત્રણ વર્ષની પુત્રીને માતાની કસ્ટડીમાંથી US પરત લાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. ગત વર્ષ ફેબ્રુઆરી 2023માં દંપતીની છેલ્લી મુલાકાત પછી પુત્રી ભારતમાં જ હતી. આથી એનઆરઆઈએ પુત્રીને યુએસ પરત લાવવા હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેણે યુએસની મિનેસોટા કોર્ટમાં પુત્રીને યુએસ પરત લાવવા માટે છૂટાછેડા અને બાળ કસ્ટડીનો દાવો દાખલ કર્યો છે, પરંતુ તેની સામે પત્નીએ પણ છૂટાછેડા માટે અને પુત્રીને સાથે રાખવા માટે અમદાવાદની ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો હતો.
દંપતી ભારત આવ્યા પછી, મહિલાએ ઓગસ્ટ 2023 માં તેમના બીજા બાળકને જન્મ આપ્યો, અને માતાને પુત્રી સાથે અલગ થવાની મંજૂરી ન આપવા માટે ન્યાયમૂર્તિ એવાય કોગજે અને ન્યાયમૂર્તિ આરએમ સરીનની બેન્ચ માટે આ એક મજબૂત આધાર બની ગયું.
કોર્ટે કેસની સુનાવણીમાં અરજી ના મંજૂર કરતા કારણ આપ્યું કે માતા તેની કુમળી વયના બાળકની શ્રેષ્ઠ રખેવાળ છે. “નવજાત ભાઈ સાથે સગીરનું ભાવનાત્મક બંધન આજે સગીર અને ભાઈ બંને માટે સૌથી વધુ અને મજબૂત બનશે. બંને બાળકો જે આઘાતનો સામનો કરવો પડશે, તેની કલ્પના તો કરી શકાય તેમ નથી. માતા-પિતાના અલગ થવાના સમયમાં બંને ભાઈ બહેન વચ્ચે ભાવનાત્મક સંબંધ વધુ ગાઢ બનશે. જ્યારે કોર્ટને લાગશે કે સગીરને માનસિક કે આર્થિક રીતે કોઈ નુકસાન થઈ રહ્યું છે ત્યારે તેમજ ‘કસ્ટડી સમય’ દરમ્યાન બાળકોને સમસ્યા થઈ રહી હોય તો કોઈ એક બાળકને યુએસએ પરત મોકલવામાં આવશે.
હાઈકોર્ટે જણાવ્યું હતું હાલમાં બાળકીનું શ્રેષ્ઠ હિત તેની માતા અને તેના ભાઈ સાથે રહેવામાં છે. આથી કોર્ટે સગીર બાળકીની વય અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી એનઆરઆઈ પુરુષની માંગને નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પત્ની યુએસ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહીમાં હાજરી આપી શકે છે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “અદાલત એ બાબત સાથે સંમત છે કે આવી ટેક્નોલોજીનો ઉપયોગ હાલના કેસમાં તેમજ સગીર અને તેના ભાઈની હાલની પરિસ્થિતિને ખલેલ પહોંચાડ્યા વિના કરવામાં આવે.”
યુ.એસ.માં બાળકના સ્વદેશ પરત લાવવાની માંગને નકારી કાઢતી વખતે, HCએ NRIને મુલાકાતના અધિકારોની મંજૂરી આપી. તેના માતા-પિતા, જે શહેરમાં છે, તેમને પણ બાળક સાથે મળવા અને રહેવાની પરવાનગી છે. ફેબ્રુઆરીમાં આ દંપતી બાળકીને લઈને અમદાવાદ આવ્યું હતું અને માર્ચમાં તેઓ પરત ફરવાના હતા. પરંતુ મહિલાએ અંહી રહેવાનું પસંદ કર્યું, અને તેની રીટર્ન ટિકિટ મુલતવી રાખવામાં આવી, જ્યારે પતિ યુ.એસ. પરત ફર્યો. મહિલાએ પાછળથી પતિને જાણ કરી કે તે માત્ર પુત્રી સાથે જ ભારતમાં રહેશે અને જ્યારે પતિએ આગ્રહ કર્યો કે તેણે ઓછામાં ઓછું એક બાળકને યુએસ મોકલવું જોઈએ જેથી તેનું શિક્ષણ શરૂ થાય. પતિ અને પત્ની વચ્ચેના સંબંધો તંગ થતા બાળકના કસ્ટડીને લઈને યુએસ અને ભારતમાં મુકદ્દમા શરૂ થયા.