ગુજરાતમાં પહેલીવાર ડીવાયએસપી-પીઆઇ સહિત ૩૨ પોલીસકર્મીઓને હાજર થવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ, જૂનાગઢ દરગાહ કેસમાં એક્શન

જૂનાગઢ, જૂનાગઢ પથ્થરમારામાં ઝડપાયેલા આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક સાથે ૩૨ પોલીસકર્મીઓને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને ૨ અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી છે. સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ પોલીસને એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢમાં ૧૬ જૂને બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા ૬ આરોપી અને ૪ ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. તો પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે ૪ સગીરોને પણ પોલીસે લોક-અપમાં અભદ્ર ભાષા વાપરીને માર માર્યો હતો. જે બાદ પીડિતોએ હાઈકોર્ટમાં એક અરજી કરીને જવાબદાર પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન પીડિતના વકીલે દ્વારા દલીલો કરી હતી કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને બેરહેમીથી માર માર્યો હતો. જે બાદ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીવાયએસપી પીઆઇ સહિત ૩૨ પોલીસકર્મીને નોટિસ ફટકારી છે. કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગત ૧૬ જૂને જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક ડીસીપી અને ૩ પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. પીજીવીસીએલની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું. આ મામલાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા હતા. જે બાદ પોલીસે ૧૭૪ લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. જોકે, બાદમાં તમામને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.