ગુજરાતમાં નારી ગૌરવ નીતિનું પુન: ઘડતર કરાયું, મહિલાઓ વધુ સશક્ત બનશે, મુખ્યમંત્રી

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬માં નારી ગૌરવ નીતિનું ઘડતર કરી અમલમાં મૂકવામાં આવી હતી. જાતિગત બાબતને વિકાસના મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ કરી રાજ્ય અને દેશમાં જાતિગત સમાનતા લાવવાના ઉદાહરણરૂપ પ્રયત્નો કરનાર દેશમાં ગુજરાત એક પ્રથમ રાજ્ય બન્યું હતું કે જેને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની અલયાદી નીતિનું ઘડતર કરી સફળ રીતે અમલી બનાવેલ હતી, જેનો શ્રેય નરેન્દ્ર મોદી ને ફાળે જાય છે.

વિકસિત ગુજરાત ૨૦૪૭ ના સંકલ્પ ને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ આજે આ નારી ગૌરવ નીતિનું પુન: ઘડતર કરવામાં આવ્યું છે. નારી ગૌરવ નીતિના પાયામાં જે વિચાર રહેલો છે તે એ કે, રાષ્ટ્રના સામાજિક-આર્થિક ઉત્થાનમાં યોગદાન પ્રદાન કરવા સંબંધમાં સ્ત્રી અને પુરુષની ફરજો, જવાબદારીઓ તેમજ એમાંથી નીપજતી તકો અને હક્કો સ્ત્રી -પુરુષ માટે એક્સમાન હોવા જોઈએ.

નારી ગૌરવ નીતિ-૨૦૦૬માં તે સમયની મહિલાઓની સ્થિતિ, સમસ્યાઓ અને જરૂરીયાતને અનુલક્ષી વિકાસના મહત્વના ૮ ક્ષેત્રો આર્થિક પર્યાવરણ, સંચાલન અને નિર્ણય શક્તિ, આરોગ્ય અને જીવનની ગુણવત્તા, હિંસા, કુદરતી સંસાધન અને વ્યવસ્થાપન, શિક્ષણ, કાયદાકીય પર્યાવરણ તેમજ હિમાયત અને ક્ષમતા ઘડતરની સમાવેશ કરેલ હતો, નીતિમાં સમાવિષ્ટ આ ક્ષેત્રો માટે કુલ ૧૧૬ એક્શન પોઈન્ટ્સ નક્કી કરવામાં આવેલ હતા, જે અંગે સબંધિત તમામ વિભાગોને નિયત સમયમાં તેના અમલીકરણની જવાબદારી આપવામાં આવેલ હતી, રાજ્ય સરકાર દ્વારા નીતિમાં નિર્ધાર કરેલ (એક્શન પોઈન્ટ) લક્ષ્યમાંથી ૮૮% સિદ્ધિ મેળવેલ હતી.

સાંપ્રત સમયમાં બદલાતા સામાજિક-આર્થિક પરિપ્રેક્ષ્ય તેમજ પ્રવર્તમાન કાયદાઓ, નિયમો અને સામાજિક-આથક સ્થિતિમાં બદલાવની સાથે નીતિના મૂળ પ્રારૂપ તેમજ તેની સાથે સંકળાયેલ વિવિધ બાબતોમાં ફેરફાર કે બદલાવ આવશ્યક બને છે. તદુપરાંત, વૈશ્ર્વિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અનુલક્ષીને તેમજ નારીના સર્વાંગી વિકાસને લક્ષમાં લઈ આ નીતિની કેટલીક બાબતોમાં સંશોધન કરવાની તેમજ નીતિના ઉદ્દેશોની પરિપૂર્ણતાને ધ્યાનમાં રાખી કેટલાક નવા ક્ષેત્રો ઉમેરવાની જરૂરિયાત જણાઈ.

નારી ગૌરવ પુન:ઘડતરની આવશ્યક્તા અને હાથ ધરવાની પ્રક્રિયા અંગે અધિક મુખ્ય સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધ્યક્ષ સ્થાને એક કોર સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની સાથે નિયત કરેલ ક્ષેત્રોમાં તે ક્ષેત્રો સાથે જોડાયેલ સરકારી, સંસ્થાકીય તેમજ શિક્ષણવિદોને સભ્ય તરીકે સામેલ કરી જુદા-જુદા વકગ ગ્રુપની રચના કરવામાં આવેલ હતી, જેઓ દ્વારા સતત બેઠકો યોજી સર્વ સંમતીથી ક્ષેત્રવાર મુદ્દાઓને આખરી કરેલ હતા.

નારી ગૌરવ નીતિ-૨૦૨૪માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં અગાઉના ક્ષેત્રો અને નવીન ક્ષેત્રોને પણ સંકલિત કરવામાં આવેલ છે, જેમાં ૧) શિક્ષણ અને રમતગમત ૨) હિંસા અને સુરક્ષા ૩) આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા ૪) પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ ૫) સામાજિક સુરક્ષા અને કલ્યાણ ૬) વિજ્ઞાન અને ટેકનોલોજી ૭) આર્થિક પર્યાવરણ ૮) વહીવટ અને નિર્ણય-શક્તિનો સમાવેશ થાય છે.

નારી ગૌરવ નીતિ એ રાજ્યની તમામ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગોના સમન્વય થી અમલી બનાવેલ હોઈ નીતિમાં સમાવિષ્ટ ક્ષેત્રો અને તેના અમલીકરણની જવાબદારી દરેક વિભાગની રહે છે, દરેક વિભાગે નીતિમાં સમાવિષ્ટ પોતાના વિભાગના સબંધિત મુદ્દાઓ અંગે નિયત સમયમાં કાર્યવાહી કરવાની નિર્દેશ કરવામાં આવેલ છે.

નારી ગૌરવ નીતિના સુચારું અમલીકરણ, કામગીરીની સમીક્ષા અને મૂલ્યાંકન માટે માન. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે, જે સમયાંતરે નીતિની સમીક્ષા કરી સુચારુ અમલીકરણ માટે જરૂરી દિશા નિર્દેશ કરશે.