નવીદિલ્હી,ગુજરાતી લોકોએ હવે ટેલિકોમ કંપનીઓને ઝટકો આપ્યો છે. કોરોનામાં સતત કનેક્ટિવીટી માટે ગુજરાતી લોકોએ મન મૂકીને સીમ કાર્ડ લીધાં હતા જે હવે તેઓ ધીરે ધીરે બંધ કરાવી રહ્યાં છે અને પરિણામે ટેલિકોમ કંપનીઓને ગ્રાહક બેસ મોટાપાયે ઘટી ગયો છે.
ગુજરાતમાં ૨૦૨૨માં ૧૪ લાખ મોબાઇલ ગ્રાહકો ઓછા થયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર ૨૦૨૨ માં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ૬.૬ કરોડ (૬,૬૦,૬૫,૮૭૧ ), ડિસેમ્બર ૨૦૨૧ માં ૬.૭ કરોડ (૬,૭૪,૭૪,૨૬૭) ની તુલનામાં ૧૪.૦૮ લાખનો ઘટાડો દર્શાવે છે.
તેના મુખ્ય કારણો વધતો ફુગાવો ઉપરાંત લોકો એકથી વધુ કનેકશન બંધ કરાવતા હોવાનું ટેલિકોમ ઉદ્યોગ માને છે. કોવિડ -૧૯ ના પગલે ઘણા ગ્રાહકોએ સતત ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે એકથી વધુ કાર્ડ લીધા હતા. જો કે, સમય જતાં, જેમ જેમ ફુગાવો વધવા લાગ્યો તેમ તેમ તેમાંના ઘણા કનેકશન નકામા બની ગયા અને આપમેળે ડિસ્કનેક્ટ થઈ ગયા.કેટલાકે તેમના વધારાના કનેકશન રદ કર્યા હતા અને પરિણામે ગ્રાહકોની કુલ સંખ્યામાં ઘટાડો થયો હતો, તેમ ટેલિકોમ ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું હતું.
વીઆઈએલ એ એક વર્ષમાં સૌથી વધુ ૧૨.૬૨ લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. વીઆઈએલ પછી બીએસએનએલ (૪.૧૭ લાખ) અને એરટેલ (૩.૨૬ લાખ)એ પણ તેમના ગ્રાહકોની નોંધપાત્ર સંખ્યા ગુમાવી દીધી હતી. રિલાયન્સ જિઓ એકમાત્ર એવી કંપની હતી કે જેણે વર્ષ દરમિયાન ૫.૯૮ લાખ ગ્રાહકો મેળવ્યા હતા.
ટેલિકોમ ટેરિફની સ્થિરતાને પણ સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડા માટેનું એક કારણ ટેલિકોમ ઉદ્યોગના ખેલાડીઓ માને છે. મોટા ભાગના ટેલિકોમ ઓપરેટર ટેલિકોમ કનેક્શન્સ માટે સ્પર્ધાત્મક ભાવો ઓફર કરે છે. આથી ઘણા ગ્રાહકો કે જેઓ નવા કનેક્શનનું વિચારતા હતા તેઓ લેવાનું ટાળતા હતા. છેલ્લા દોઢ વર્ષથી ટેલિકોમ ગ્રાહકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની ટેલી-ડેન્સિટી પણ ડિસેમ્બર ૨૦૨૨માં ઘટીને ૯૨.૬ ટકા થઈ ગઈ છે, જે જુલાઈ ૨૦૨૧ માં ૧૦૦.૧ ટકા હતી. ટ્રાઇના અહેવાલ અનુસાર, ટેલિ-ડેન્સિટીમાં ઘટાડો થતાં રાજ્ય૮માં સ્થાનેથી ૯માં સ્થાને પહોંચી ગયું છે.